મુંબઈ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના, ફ્લાઈટ રનવે પરથી સરકી ગઈ, પ્લેનના થયા બે ટુકડા

મુંબઈ એરપોર્ટ પર ખાનગી ચાર્ટર્ડ ફ્લાઈટ રનવે પરથી સરકી ગઈ, પ્લેનના બે ટુકડા થઈ ગયા, 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા.  મુંબઈ એરપોર્ટ પર ઉતરતી વખતે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. ડીજીસીએએ કહ્યું છે કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

ડીજીસીએએ જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમથી મુંબઈ જઈ રહેલું વીએસઆર વેન્ચર્સ લીઅરજેટ 45 વિમાન વીટી-ડીબીએલ મુંબઈ એરપોર્ટ પર રનવે 27 પર ઉતરતી વખતે લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી માત્ર 700 મીટર રહી હતી. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ દુર્ઘટના પછીના વીડિયોમાં મુંબઈ એરપોર્ટ પર વરસાદ વચ્ચે રનવેની નજીક પ્લેનનો કાટમાળ જોઈ શકાય છે. દુર્ઘટના દરમિયાન વિમાનમાં આગ લાગી હતી, જેને ઈમરજન્સી સેવાઓ દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી. લીઅરજેટ 45 એ કેનેડા સ્થિત બોમ્બાર્ડિયર એવિએશનના વિભાગ દ્વારા ઉત્પાદિત નવ સીટનું સુપર-લાઇટ બિઝનેસ જેટ છે.