રાજકોટ: લોકસભા ચૂંટણી 2024 માટે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા છે. જેમણે વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં કરેલી ટિપ્પણીનો વિવાદ હવે રાજકોટ કે ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો. આ આંદોલનની આગ હવે રાજસ્થાન સુધી પણ પહોંચી છે. છેલ્લા દસ દિવસથી ચાલતું ક્ષત્રિય સમાજનું આંદોલન શમવાનું નામ નથી લેતું. ત્યારે જાણીએ કે ક્ષત્રિય સમાજના આ આંદોલનના કોણ છે ચર્ચિત ચહેરાઓ. રાજકોટમાંથી આંદોલન શરૂ થયું છે ત્યારે રાજકોટ – સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ આગેવાનો આ આંદોલનમાં સક્રિય અને ચર્ચામાં રહ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરથી આંદોલનની કમાન તૃપ્તીબા રાઓલે સંભાળી છે.પી. ટી. જાડેજા: રાજકોટના ક્ષત્રિય સમાજ માટે પી. ટી. જાડેજાનું નામ અજાણ્યું નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ માટે એક મોટી છાત્રાલય ચાલે છે તેઓ તે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી છે. આ ઉપરાંત ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. નવરાત્રી કે શરદ પૂનમના રાસોત્સવના આયોજનમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ સામાજિક પ્રવૃતિ કરી રહ્યા છે. પી. ટી. જાડેજા ગોંડલમાં પોલીસમેન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. પોલીસ વિભાગમાંથી સ્વેચ્છાએ તેમણે રાજીનામું આપ્યું હતું. તેઓ ખાનગી વ્યવસાય સાથે જોડાયેલા છે અને હાલ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલી સાઈનગર સોસાયટીમાં રહે છે.પદ્મિનીબા વાળા: ક્ષત્રિય સમાજના આંદોલનને ઉગ્ર બનાવવામાં રાજકોટના પદ્મિનીબા વાળાની સક્રિય ભૂમિકા રહી છે. તેઓ ગુજરાત રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષ છે. આ ઉપરાંત રાજકોટમાં રાજશક્તિ મહિલા મંડળના પ્રમુખની છેલ્લા દસ વર્ષથી જવાબદારી સંભાળી રહ્યા છે. મૂળ તેઓ જાડેજા પરિવારના દીકરી છે. સંતાનમાં બે પુત્રો છે. તેમના પતિ ગિરિરાજસિંહ વાળા ખાનગી વ્યવસાય સાથે જોડાયેલા છે. મૂળ વતન ઉપલેટા પાસે આવેલા ગધેથડ નજીક તંણસવા ગામ છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં તેઓ ભાજપમાં જોડાયા હતા.નયનાબા જાડેજા: રાજકોટમાં રૂપાલાના બૉયકોટના પોસ્ટર લગાવનાર અને ક્ષત્રિય સમાજના આંદોલનમાં સક્રિય નયનાબા જાડેજા જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન છે. અગાઉ તેઓ જામનગર રહેતા હતા. પરંતુ હાલ તેઓ રાજકોટ રહે છે. તેઓ તેમના માતાની સ્મૃતિમાં રચેલા શ્રી લતાબા એ. જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ મારફત તેઓ સમાજ સેવાના કર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. રાજકોટ જિલ્લા મહિલા સેવાદળના પ્રમુખ છે. અગાઉ જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં પણ મહત્વના હોદા ઉપર રહી ચૂક્યા છે.તૃપ્તિબા રાઓલ: મૂળ માણસાના રહેવાસી તૃપ્તિબા રાઓલ હાલ ગાંધીનગર રહે છે. ભાવનગર સ્થિત નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યા બાદ મનોવિજ્ઞાન વિષયમાં તેઓ સ્નાતક થયા છે. આ ઉપરાંત તૃપ્તિબા રાઓલ ‘નારીશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ’ના પ્રમુખ છે. દર વર્ષે તેઓ 100 ક્ષત્રિય નારી રત્નોની પસંદગી સમગ્ર ગુજરાતમાંથી કરીને તેઓની પ્રતિભા અને પ્રશંસનીય કાર્યોને પુસ્તકના માધ્યમથી પ્રકાશિત કરે છે. આગામી 7મી એપ્રિલના રોજ તૃપ્તિબાને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’ એનાયત કરવામાં આવશે. તેઓને આ એવોર્ડ હેરિટેજ સંવર્ધક તરીકે આપવામાં આવશે.
હાલ તો આ તમામ લોકોની બસ એક જ માંગ છે કે રાજકોટથી પરશોત્તમ રૂપાલાને આપવામાં આવેલી ચૂંટણીની ટિકિટ કેન્સલ કરો.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
તસવીરો: નિશુ કાચા