મહુઆ મોઇત્રાને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત ન મળી

આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે લોકસભાના મહાસચિવને આ મામલે બે સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 11 માર્ચે હાથ ધરશે. જો કે, સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, તે હાલમાં લોકસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે નહીં. ગયા મહિને 11 ડિસેમ્બરે TMC નેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે કેશ ફોર ક્વેરી કેસમાં એથિક્સ કમિટીની ભલામણ બાદ મહુઆનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું.

 

શું છે સમગ્ર મામલો

TMC નેતા પર અદાણી જૂથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર ગૃહમાં પ્રશ્નો પૂછવાના બદલામાં લાંચ લેવાનો આરોપ હતો. આ મામલે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ વકીલ જય અનંત દેહાદરાય દ્વારા લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ મોકલી હતી. મહુઆ મોઈત્રા પર આરોપ હતો કે તેણે હિરાનંદાનીને સંસદીય વેબસાઈટ પર ગુપ્ત એકાઉન્ટમાં લોગઈન કરવા માટે તેનું આઈડી અને પાસવર્ડ આપ્યો હતો જેથી તે સીધા પ્રશ્નો પોસ્ટ કરી શકે. મહુઆ મોઇત્રાએ સ્વીકાર્યું કે તેણીએ હિરાનંદાનીના લોકોને તેણીનું લોકસભા લોગ-ઇન આઈડી આપ્યું હતું, પરંતુ તેણીએ હિરાનંદાની પાસેથી કોઈ ભેટ લીધી ન હતી.