મુંબઈ: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે આજે મત ગણતરીનો દિવસ છે. આ બંને રાજ્યોમાં કયો પક્ષ અને કયું ગઠબંધન સત્તાધારી બનશે તે આજે નક્કી થશે. તે જ સમયે ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે. આ તમામ પરિણામો આવનારા અમુક સમય માટે દેશના રાજકારણની સ્થિતિ અને દિશા નક્કી કરશે.
મહારાષ્ટ્રમાં મત ગણતરી માટે કુલ 288 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં નાંદેડ લોકસભા પેટાચૂંટણી માટે એક કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. કુલ 288 મતગણતરી નિરીક્ષકો દરેક વિધાનસભા મતવિસ્તારની દેખરેખ રાખી રહ્યા છે, જ્યારે નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં મતગણતરી પર નજર રાખવા માટે બે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પરિણામની વાત કરીએ તો મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટેનો ટ્રેન્ડ આવી ગયો છે અને ભાજપ ગઠબંધન વિપક્ષ કરતા માઇલો સુધી આગળ જણાય છે. 288માંથી ભાજપ ગઠબંધન 228 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ ગઠબંધન 53 બેઠકો પર આગળ છે. અન્યના ખાતામાં 7 બેઠકો ગઈ છે.
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી મહાયુતિએ ટ્રેન્ડમાં જોરદાર લીડ બનાવી. આ પહેલા સ્થિતિ એવી હતી કે તમામ 288 બેઠકોના વલણો અનુસાર ભાજપ ગઠબંધન 201 બેઠકો પર આગળ હતી જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી MVA 82 બેઠકો પર આગળ હતી. જ્યારે અન્ય 5 બેઠકો પર લીડ કરી રહી હતી. શરૂઆતમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના તાજા વલણોમાં ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન 32 સીટો પર અને કોંગ્રેસ ગઠબંધન 16 સીટો પર આગળ હતી.
મહાગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટીએ 149 વિધાનસભા બેઠકો પર, શિવસેનાએ 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. વિપક્ષી MVA ગઠબંધનમાં, કોંગ્રેસે 101 ઉમેદવારો, શિવસેના (UBT) 95 અને NCP (શરદચંદ્ર પવાર) 86 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. બહુજન સમાજ પાર્ટી અને AIMIM જેવા પક્ષોએ પણ ચૂંટણી લડી હતી, જેમાં BSPએ 237 ઉમેદવારો અને AIMIM 17 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.