VIDEO: મહાકુંભમાં ફરી આગ લાગી, સંગમ કિનારે ફાયરની અનેક ગાડીઓ પહોંચી

પ્રયાગરાજ: મહાકુંભમાં એક પછી એક દુર્ઘટનાઓના અહેવાલ સતત સામે આવતા રહે છે. શુક્રવારે ફરી એકવાર મહાકુંભમાં આગ લાગવાના દુર્ઘટના બની છે. આ વખતે સંગમ કિનારે શંકરાચાર્ય માર્ગ પર સેક્ટર 18માં 3 ટેન્ટ બળીને ખાક થઈ ગયાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. ભીડને સ્થળ પરથી દૂર કરવામાં આવી રહી છે. ચારે બાજુ બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, આગ લાગવા પાછળનું શું કારણ હતું, તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પહેલા 19 જાન્યુઆરીએ પણ આગ લાગી હતી. તે સમયે ગીતા પ્રેસના 180 કોટેજ બળી ગયા હતા.

3 ટેન્ટ બળીને ખાક 

એક ચર્ચા અનુસાર આ વખતે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું કહેવાય છે. જો કે આ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં 3 ટેન્ટ આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આજે મહાકુંભનો 26મો દિવસ છે. શુક્રવારે સંગમ ખાતે ભક્તોની ભીડ હોય છે. શનિવાર અને રવિવારે ભીડ વધી શકે છે. આ જોઈને વહીવટીતંત્ર ફરી સતર્ક થઈ ગયું. ભીડ પર નજર રાખવામાં આવી રહી છે.