અફઘાનિસ્તાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCRમાં આંચકા અનુભવાયા

નવી દિલ્હી: બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં દિલ્હી-NCR ક્ષેત્ર સહિત ભારતના કેટલાંક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) એ આ માહિતી આપી હતી. NCS અનુસાર, ભૂકંપ 75 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. 5.9ની તીવ્રતાનો ભૂકંપ ગંભીર નુકસાન પહોંચાડવા માટે પૂરતો મજબૂત માનવામાં આવે છે. ખાસ કરીને ભૂકંપના કેન્દ્રની નજીક. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલો સામે આવ્યા નથી.ભૂકંપના આંચકા વહેલી સવારે 4:44 વાગ્યે અનુભવાયા હોવાની જાણકારી મળી રહી છે. જેના કારણે લોકો ફફડી ગયા હતા અને ઊંઘમાંથી ઊઠી ગયા હતા. ભારતમાં દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના કેટલાંક ભાગોમાં હળવાથી મધ્યમ આફ્ટર શૉક અનુભવાયા હતા.