અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબું શટડાઉન ખતમ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ઇતિહાસનો સૌથી લાંબું સરકારી શટડાઉન અંતે ખતમ થયું છે. બુધવારની રાત્રે અમેરિકન પ્રતિનિધિ સભાએ (House of Representatives) એક શોર્ટ-ટર્મ ફંડિંગ બિલ પાસ કર્યું હતું, જેને કારણે સરકાર ફરી કાર્યરત થઈ શકશે. આ બિલ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે. વ્હાઈટ હાઉસે રાત્રે ઓવલ ઓફિસમાં બિલ સાઇનિંગ સેરેમની નક્કી કરી છે.

હાઉસ સ્પીકર માઇક જોનસને મતદાન પહેલાં કહ્યું હતું કે મિત્રો, હવે આ ખતમ કરીએ.

અમેરિકન સરકાર 1 ઓક્ટોબરથી શટડાઉનમાં હતી, એટલે કે લગભગ 42 દિવસ સુધી સરકારનાં અનેક કામકાજ બંધ રહ્યાં હતાં. એ દરમિયાન લાખો સરકારી કર્મચારીઓને બિનપગાર રજા પર મોકલવામાં આવ્યા હતા, ઘણા એરપોર્ટ્સ પર કન્ટ્રોલર હાજર નહોતા અને ફૂડ સ્ટેમ્પ જેવી આવશ્યક યોજનાઓ પણ અસરગ્રસ્ત થઈ હતી.

શટડાઉન કેમ થયું?

શટડાઉન એ માટે થયું હતું, કારણ કે સેનેટના ડેમોક્રેટ સાંસદોએ તે બિલને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, જેમાં Affordable Care Act (ACA) અથવા ‘ઓબામા કેર’ના ટેક્સ ક્રેડિટ્સના એક્સ્ટેન્શનનો સમાવેશ નહોતો. આ ટેક્સ ક્રેડિટ્સ 2 કરોડ અમેરિકન નાગરિકોને હેલ્થ ઇન્શ્યોરન્સનો ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે.

અંતે આ રીતે સમાપ્ત થયું મામલો

14 વાર મતદાન થયા છતાં પહેલું બિલ પાસ ન થઈ શક્યું.

અંતે રિપબ્લિકન બહુમતી ધરાવતી સેનેટે 8 ડેમોક્રેટ સાંસદો સાથે સમજૂતી કરી.

સમજૂતી હેઠળ ડિસેમ્બરમાં ડેમોક્રેટ્સને તેમના હેલ્થ સબસિડી બિલ પર મતદાન કરવાનો મોકો મળશે.

આ ડીલ પછી બુધવારે હાઉસમાં ફંડિંગ બિલ પાસ થયું.

હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તાક્ષર બાદ સરકાર ફરીથી સંપૂર્ણ રીતે ખૂલશે.