નેતાજી: પૈસા હૈ, બંગલા હૈ… પર ગાડી નહીં!

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટ પ્રમાણે અમિત શાહ પાસે 36 કરોડ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે, પરંતુ તેમની પાસે પોતાની કોઈ કાર નથી. રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સોગંદનામા પ્રમાણે ધાનાણી દંપત્તિ પાસે 1.25 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. કરોડોની સંપત્તિ છતા પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે ફોર વ્હીલર નથી. બીજી તરફ આ જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે પરશોત્તમ રૂપાલા. જેમની પાસે સહિયારી મિલકત અંદાજે 17.43 કરોડ રૂપિયા હોવા છતાં, તેમની પાસે એક પણ દ્વિચક્રી વાહન કે મોટરકાર નથી. ત્યારે આપણે કહી શકીએ કે નેતાઓ પાસે કરોડો રૂપિયા છે, લાખો રૂપિયાના બંગલા છે. પરંતુ પોતાની ગાડી નથી. સૌથી રસપ્રદ વાત એ છે કે કારવગરના આ નેતાઓ ક્યારેય આપણને બસ કે ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળતા નથી. એમના કાફલામાં તો હંમેશા લાખો રૂપિયાની કાર જોવા મળતી હોય છે.કેરળના વાયનાડથી કોંગ્રેસના ઉમેદવાર બનેલા રાહુલ ગાંધી 20 કરોડથી વધુની સંપત્તિના માલિક છે. જો કે તેમની પાસે ન તો પોતાનું ઘર છે કે ન તો પોતાની કાર. છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ 5 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમ છતાં તેમના પર 50 લાખ રૂપિયાનું દેવું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભા ચૂંટણી માટેના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે 12.53 કરોડની સંપત્તિ છે. જેમાં ઇટલીમાં આવેલ તેમના પૈતૃક ગૃહનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તેમની પાસે 88 કિલો ચાંદી અને 1,267 ગ્રામ સોનું તેમજ જ્વેલરી છે. જો કે સોનિયા ગાંધી પાસે પણ કોઈ વ્યક્તિગત કાર નથી.કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથના પુત્ર અને છિંદવાડા લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર નકુલ નાથ પાસે કુલ 649 કરોડ 51 લાખ 96 હજાર 174 રૂપિયાની જંગમ સંપત્તિ છે. કરોડોના માલિક નકુલનાથ પાસે પોતાની કાર નથી. તેમની જાહેર કરેલી સંપત્તિમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને ઘણી કંપનીઓની બચતનો સમાવેશ થાય છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મધ્ય પ્રદેશની રાજગઢ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. દિગ્વિજયસિંહના બેંક ખાતામાં 13 લાખ 6 હજાર 599 રૂપિયા જમા છે. કુલ સંપત્તિ 8.78 કરોડ છે. જો કે દિગ્વિજયસિંહ પાસે પણ પોતાની કોઈ કાર નથી.બીકાનેર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અર્જુન રામ મેઘવાલ છે. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ પાસે 2.38 કરોડ રૂપિયા અને તેમની પત્ની પાસે 1.38 કરોડ રૂપિયા એટલે કે કુલ 3.76 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પરંતુ તેમની પાસે કોઈ કાર નથી.મૈસુરના રાજવી પરિવારના સદસ્ય યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર મૈસૂર-કોડાગુ લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમના એફિડેવિટ મુજબ તેમની પાસે રૂ. 5 કરોડની સંપત્તિ છે જ્યારે તેમની પત્ની ત્રિશિકા કુમારી અને તેમના એક આશ્રિતો પાસે અનુક્રમે રૂ. 1.04 કરોડ અને રૂ. 3.64 કરોડની સંપત્તિ છે. પરંતુ તેમની પાસે પોતાનું કોઈ ઘર, જમીન કે કાર નથી.ટોંક-સવાઈ માધોપુરથી ભાજપના ઉમેદવાર સુખબીર સિંહ જૌનાપુરિયા છે. જેમની પાસે 142 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સતત બે ટર્મથી સાંસદ રહ્યા છે. તેઓ ત્રીજી વખત ભાજપની ટિકિટ પર આ જ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ઉમેદવારી પત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તેમની પાસે પોતાનું કોઈ વાહન નથી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત જાલોર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. તેઓ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2019માં જોધપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. નોમિનેશન પેપરમાં આપવામાં આવેલી માહિતી મુજબ તેમની પાસે કોઈ કાર નથી.રાજસ્થાનના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, વસુંધરા રાજે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પાસે પણ પોતાનું કોઈ વાહન નથી. ત્રણેયએ ડિસેમ્બર 2023ની વિધાનસભા ચૂંટણીમાં આપેલા સોગંદનામામાં આ માહિતી આપી હતી. બાડમેરના સાંસદ કૈલાશ ચૌધરી કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પણ છે. આ વખતે પણ તેઓ ભાજપના ઉમેદવાર છે, પરંતુ તેમની પાસે કોઈ કાર નથી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2022ની ચૂંટણીમાં દાખલ કરેલા એફિડેવિટ અનુસાર તેમના પાસે 1,54,94,054 રૂપિયાની સંપત્તિ છે. પરંતુ તેમની પાસે પોતાની કોઈ કાર નથી. સીએમ બન્યા બાદ તેમના કાફલામાં મર્સિડીઝ બેન્ઝ એસયુવી સામેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે 3 કરોડ 44 લાખ 42 હજાર 870 રૂપિયાની કુલ જંગમ અને અચલ સંપત્તિ છે. પરંતુ પોતાની કાર નથી. સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પાસે 40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પરંતે પોતાની કોઈ કાર નથી.રાજ્ય કે કેન્દ્ર સરકાર દરેક ધારાસભ્ય કે સાંસદને સત્તાવાર વાહનો આપતી નથી. રાજ્ય કે કેન્દ્ર સરકારમાં મંત્રી બનેલા ધારાસભ્યો અને સાંસદોને જ સરકારી વાહનો મળે છે. મંત્રીઓ ઉપરાંત સ્પીકર અને વિપક્ષના નેતાને પણ સરકાર તરફથી સત્તાવાર વાહનો મળે છે. જો કે ચૂંટણીની આચારસંહિતા દરમિયાન મંત્રીઓને સરકારી વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આ સમયગાળા દરમિયાન માત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રી સરકારી વાહનો અને વિમાનોનો ઉપયોગ કરી શકે છે.