લોકસભા ચૂંટણી: પાંચમા તબક્કાનું મતદાન શરૂ, હસ્તીઓએ નિભાવી ફરજ

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ, આજે (20 મે), 8 કરોડ 95 લાખથી વધુ મતદારો 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકોના 94732 મતદાન મથકો પર મતદાન કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. ઓડિશા વિધાનસભાની બાકીની 35 બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે.

પાંચમા તબક્કામાં લોકસભાની 49 બેઠકો માટે કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થશે. પાંચમા તબક્કામાં સૌથી ઓછી બેઠકો (49) પર મતદાન થવાનું છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બિહાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આજે મતદાન થશે. પાંચમા તબક્કામાં 9 લાખ 47 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. સામાન્ય રીતે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. પાંચમા તબક્કામાં કુલ 8 કરોડ 95 લાખથી વધુ મતદારો છે.જેમાં 5409 મતદારો થર્ડ જેન્ડર છે. જેમાં 100 વર્ષ કે તેથી વધુ વયના 24,792 મતદારો છે જ્યારે 85 વર્ષ કે તેથી વધુ વયના 7 લાખ 81 હજાર મતદારો છે. સાત લાખ ત્રણ હજાર મતદારો વિકલાંગ મતદારો છે.

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌના મતદાન મથકે મતદાન કર્યુુ છે. તેઓ લખનૌ લોકસભા સીટ પરથી આઉટગોઇંગ સાંસદ અને ભાજપના ઉમેદવાર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના થાણેમાં મતદાન કર્યુ છે. ફિલ્મ અભિનેતા આમિર ખાનની પુત્રી આયરા ખાન અને પુત્ર જુનૈદ ખાને મુંબઈના એક મતદાન મથક પર મતદાન કર્યું હતું. ફિલ્મ અભિનેતા શાહિદ કપૂર અને પરેશ રાવલે મુંબઈમાં મત આપી પોતાની ફરજ નિભાવી છે. સુનીલ શેટ્ટીએ બાંદ્રામાં મતદાન કર્યું.