VIDEO: ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે EVM કેપ્ચર કર્યું

અમદાવાદ: ગુજરાતમાં શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયાની વાતો વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં આવતા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપ નેતાના પુત્રએ જ બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. વિજય ભાભોર પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખનો પુત્ર હોવાની માહિતી સામે આવી છે.દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહીં, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં ‘EVM તો આપણા બાપનું છે’ તેવું બોલી રહ્યો છે.


​​​​
દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે ચૂંટણીપંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટના આધારે ચૂંટણીપંચ હવે નિર્ણય લેશે. સમગ્ર મામલે મહીસાગર જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, આ વીડિયોમાં બોગસ વોટિંગ થયું હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. વીડિયોમાં જે બે લોકો દેખાઈ રહ્યા છે તેમને પોલીસે પકડી લીધા છે અને ફરિયાદ નોંધીનો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયદા કે ચૂંટણીપંચનો જાણે કોઈ ખોફ જ ના હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. તેને EVM પોતાના સાથે લઇ જવાની વાત પણ કરી હતી. વીડિયો વાઈરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેને લઈ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે.