લોકસભામાં જસ્ટિસ વર્મા સામે ઇમ્પિચમેન્ટનો પ્રસ્તાવ મંજૂર

નવી દિલ્હીઃ અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માની રોકડકાંડ મામલે મુશ્કેલીઓ વધી રહી છે. તેમના વિરુદ્ધ લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે ઇમ્પિચમેન્ટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ પર કુલ 146 સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે, જેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંનેના નેતાઓ સામેલ છે. લોકસભા સ્પીકરે તપાસ સમિતિ પણ બનાવી છે અને સમિતિમાં સામેલ ન્યાયાધીશોનાં નામ પણ જાહેર કરી દીધાં છે.

Justice Yashwant Verma (Right) Burnt pile of cash found at his official residence | Xલોકસભા સ્પીકર ઓમ બિરલાની બનાવેલી તપાસ સમિતિમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી એક-એક જજને સામેલ કરવામાં આવ્યા છે તેમ જ એક કાનૂનવિદને પણ સમિતિમાં રાખવામાં આવ્યા છે. તપાસ સમિતિનો અહેવાલ આવ્યા સુધી ઇમ્પિચમેન્ટનો પ્રસ્તાવ લંબિત રહેશે. સમિતિની વાત કરીએ તો તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર,  કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.બી. આચાર્ય અને મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવને સામેલ કરવામાં આવ્યા છે.

આ વર્ષે 14 માર્ચે જસ્ટિસ વર્માના સરકારી નિવાસસ્થાને આગ લાગી હતી. તે વખતે તેઓ દિલ્હી હાઈકોર્ટમાં હતા. દિલ્હી ફાયર સર્વિસની ટીમ તેમના ઘરે પહોંચી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ ત્યાર બાદ ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું હતું. જસ્ટિસ વર્માના સ્ટોર રૂમમાંથી રૂ. 500ના સળગેલા નોટોનાં બંડલ મળ્યાં, જે બોરીમાં ભરીને રાખવામાં આવ્યાં હતાં.

જસ્ટિસ વર્માએ કહ્યું હતું કે તેમના ઘરમાં કે સ્ટોરમાં રોકડ ન હતી અને તેમને કાવતરા હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ 28 માર્ચે જસ્ટિસ વર્માનો ટ્રાન્સફર હુકમ કાઢીને તેમને અલાહાબાદ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા.