પતંગ મહોત્સવથી પ્રભાવિત થયા પરદેશી પતંગ રસિયા

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે ખુલ્લો મુકાયા બાદ દેશ વિદેશથી પધારેલા પતંગબાજો ભરપુર મજા માણી રહ્યા છે. આ વર્ષે પતંગ મહોત્સવમાં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજ્યોના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને મુલાકાતીઓમાં આકર્ષણ જમાવી રહ્યા છે. પતંગોને અનુકુળ પવનોને કારણે કાઈટિસ્ટને મજા પડી ગઈ છે. પતંગ મહોત્સવના સતત ત્રીજા દિવસે પણ આંતરરાષ્ટ્રીય પતંગ રસિયાઓ નિષ્ણાતો પતંગોત્સવને માણી રહ્યા છે.


ઈન્ડોનેશિયાથી આવેલા સુરોઆજી ચિત્રલેખા.કોમને કહે છે હું મુળ જોકજાકાર્તાનો છું. ઘણા બધા પતંગોત્સવ જોયા પણ ગુજરાતના અમદાવાદ જેવો ક્યાંય થતો નથી. મને અમદાવાદમાં ખુબજ મજા આવે છે. હું ત્રીજી વાર અહીં આવ્યો છું. મારા ગૃપમાં ચાર જણા છે એ તમામ લોકો એન્જોય કરી રહ્યા છે. અહીં લોકો મદદ કરવાની ભાવનાવાળા છે.
કોલમ્બિયાથી આવેલી એના અને એની સખી એમની ભાષા સિવાય અન્ય ભાષાઓ બહુજ ઓછી સમજે છે પરંતુ એ સાંકેતિક ભાષામાં અને તુટક તુટક અંગ્રેજીમાં કહે છે અમને મજા પડી. ગુજરાત પહેલીવાર જોયું અદભુત. છ વર્ષ કરતાં વધારે સમયથી પતંગબાજ છું પણ આવો સરસ ઉત્સવ ક્યાંય જોયો નથી.


યુરોપના એકદમ નાના દેશ સ્લોવેકિયાથી આવેલી બે પતંગબાજ લુબા અને એન્ડ્રા તો પતંગ મહોત્સવની ભવ્યતા અને આયોજનથી અભિભુત થઈ ગયા હતા. લુબા કહે છે ઘણાં દેશોમાં પતંગ ઉડે છે..હું નાના બાળકોની શિક્ષક છું..અમારા ત્યાં પાનખરની ઋતુ આવે એટલે બાળકોના ઉત્સવ કરીએ. જેમાં જુદી જુદી એક્ટિવિટી થાય છે. આ પતંગ મહોત્સવ જોયા પછી અમને લાગે છે કે અમારે પણ આવા મોટા સ્કેલ કાર્યક્રમ કરવો જોઈએ. અમારો દેશ તો એકદમ નાનો છે. ઓછી વસ્તી, ઓછું ક્ષેત્રફળ પરંતુ અહીંનો ટ્રાફિક જોઈ હું અચંબિત થઈ ગઈ..વિશાળ દેશના લોકોનું હ્રદય પણ મોટું છે. અમને આ પતંગ મહોત્સવમાં ઘણી પ્રેરણા મળી છે. લંડનથી પતંગો પર પુસ્તક લખવા આવેલી લુસી કહે છે આ લોકોને જોડવાનો અનોખો ઉત્સવ છે. હું પ્રથમવાર આવી છું. આ રંગબેરંગી પતંગોથી ભરેલા વિવિધ ડિઝાઇનર પતંગોને માણ્યા છે. હું જુના સિટી વિસ્તારના પતંગ બજારમાં પણ જઈ આવી. પતંગ મહોત્સવથી બહેરિન, ઈટાલી, ઈસ્ટોનિયા અને બેલારુસના પતંગબાજો પણ પ્રભાવિત થયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)