પંજાબી ગાયક દિલજીત દોસાંઝને ખાલિસ્તાની આતંકવાદી સંગઠન “શીખ ફોર જસ્ટિસ” દ્વારા ધમકી આપવામાં આવી છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં ગાયકના આગામી કોન્સર્ટને રદ કરવાની પણ માંગ કરી છે. આ સમગ્ર મામલો અમિતાભ બચ્ચન સાથે સંબંધિત છે. જાણીએ શું છે સમગ્ર ઘટના?

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના નેતૃત્વ હેઠળના સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝને ધમકી આપી છે. તેમણે 1 નવેમ્બરે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર તેમના સંગીત કાર્યક્રમને રદ કરવાની પણ હાકલ કરી છે. આ જૂથનો આરોપ છે કે ગાયકના કાર્યો 1984ના નરસંહારના પીડિતોનું અપમાન કરે છે.
આ 1984ના રમખાણોના પીડિતોનું અપમાન
મીડિયા અહેવાલો અનુસાર, SFJ એ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે દિલજીત દોસાંઝે “કૌન બનેગા કરોડપતિ 17” માં બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કરીને 1984ના શીખ નરસંહારના દરેક પીડિત, વિધવા અને અનાથનું અપમાન કર્યું છે. સંગઠનનો વધુમાં આરોપ છે કે અમિતાભ બચ્ચને 31 ડિસેમ્બર, 1984ના રોજ “ખૂન કા અબદલા ખૂન” (લોહીના બદલામાં લોહી) ના નારા લગાવીને ભારતીય ટોળાને જાહેરમાં ઉશ્કેર્યા હતા, જેના પરિણામે સમગ્ર ભારતમાં અસંખ્ય શીખોની હત્યા થઈ હતી.
દિલજીત દોસાંઝ ‘KBC 17’ માં દેખાયા
તાજેતરમાં, દિલજીત દોસાંઝ ‘કૌન બનેગા કરોડપતિ 17’ ના સેટ પર પહોંચ્યા હતા અને શોના હોસ્ટ-એક્ટર અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા હતાં. બિગ બીએ ગાયકને પંજાબનો પુત્ર કહ્યો અને બંને એકબીજાને ભેટી પડ્યા.બસ, અહીંથી વિવાદ થયો.
આગામી કોન્સર્ટ રદ કરવાની માંગ
સંગઠનોએ દિલજીત દોસાંઝના આગામી કોન્સર્ટનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ગાયકે “સ્મૃતિ દિવસની મજાક ઉડાવી છે.” તેમણે એમ પણ કહ્યું કે આ પીડિતો સાથે અન્યાય છે, અને તેથી, તેમણે 1 નવેમ્બરના રોજ યોજાનાર ગાયકનો કોન્સર્ટ રદ કરવાની માંગ કરી છે. 1 નવેમ્બરને શીખ નરસંહાર સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


