કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત ટી.પી.ભાટિઆ કોલેજમાં કેઈએસ સંસ્થા દ્વારા શિક્ષક દિન નિમિત્તે સદભાવના દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતથી ભાગ્યેશ જહાએ ખાસ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે શિક્ષક જયારે પોતાના કલાસમાં પ્રવેશે છે ત્યારે તે નિસ્વાર્થી હોવો જોઈએ, તેનું લક્ષ્ય પોતાના વિધાર્થીઓને ઉત્તમ આપવાનું હોવું જોઈએ, જોકે શિક્ષક કલાસમાં પ્રવેશે ત્યારે તેનો ચહેરો હસતો હોવો જોઈએ.ભાગ્યેશ જહાએ સંસ્કૃતમાં પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી. જ્યારે તે કલેક્ટરના પર પર હતા તે સમયનો એક રસપ્રદ અને પ્રેરક કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે “એક શિક્ષકે કહ્યું હતું કે શિક્ષકોનું સ્થાન કલેક્ટર સમાન હોવું જોઈએ. એના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું માનું છું કે શિક્ષકોનું સ્થાન ઘણું એનાથી પણ મહત્વનું અને ઉચ્ચકોટિનું છે. હું પોતે કલેકટર છું પણ હું રોજ સવારે મારા ગુરુને યાદ કરું છું,” આમ કહી તેમણે શિક્ષકનું ખરું મહત્વ વર્ણવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ સમયની વાત કરી ભાગ્યેશ શાહે એક પ્રસંગ ટાંક્યો હતો. આપણી પાસે સારા એન્જીનીયર છે, ઉત્તમ ડૉકટરો છે, પણ ઉત્તમ માનવીઓ કેટલાં અને કયાં? એવો સવાલ ઊઠાવતા તેમણે કહ્યું હતું કે શિક્ષક ઉત્તમ માનવી ઘડવામાં સક્ષમ છે. વિદ્યાર્થીઓ શિક્ષકો સામે બહુ આશાભરી નજરે જોતા હોય છે. નવી પેઢીને તેમણે પ્રકૃતિભિમુખ બનાવવા પર ભાર મુકયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે જગત સામે હાલ અનેક ગંભીર પડકારો ઊભા છે, જેનાથી જગતને રાજકારણીઓ નહીં બચાવી શકે, સાચા શિક્ષકો બચાવી શકશે.
કેઈએસના પ્રેસિડન્ટ મહેશ શાહે તમામ સ્ટાફના આવકારમાં કહ્યું હતું કે વિદ્યાર્થી માટે છાત્ર શબ્દ વપરાય છે, કેમ કે શિક્ષક એ વિદ્યાર્થીઓ માટે છત સમાન હોય છે, જેની છાયામાં વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે. શિક્ષક, અધ્યાપક અને ગુરુ એમ ત્રણ જુદા-જુદા શબ્દોનું અર્થઘટન કરતા તેમણે કહ્યું હતું કે શિક્ષક ભણાવે છે, અધ્યાપક સમજાવે છે અને ગુરુ જયાં સુધી વિદ્યાર્થી જ્ઞાનને આત્મસાત ન કરે ત્યાં સુધી તેનું ઘડતર કર્યા કરે છે. આ અવસરે મહેશ શાહે આ સંસ્થામાં સદભાવના દિવસની શરૂઆત કરાવનાર અગાઉના પ્રેસિડન્ટ સ્વ. સતીષભાઈ દત્તાણીને પણ યાદ કર્યા હતા.
કેઈએસ શ્રોફ કોલેજના પ્રિન્સિપાલ ડો.લીલી ભુષણે પોતાના વકતવ્યમાં વિચારપ્રેરક વાત કરતા કહ્યું હતું કે આજે જેન-ઝી તરીકે ઓળખાતી યુવા-નવી પેઢી તેમ જ પેરેન્ટસની અપેક્ષા એ શિક્ષકો માટે પડકારનો વિષય છે, શિક્ષકનું કામ હવે સરળ રહ્યું નથી, તેમણે સતત સજજ થતા રહેવું પડે છે.
કાર્યક્રમના આરંભ પહેલાં સંસ્થાના ટ્રસ્ટીઓ-મેનેજમેન્ટના વડાઓએ સ્ટાફ સભ્યનું સ્વાગત કર્યુ હતું. આ સાથે આગલા શૈક્ષણિક વર્ષમાં નિવૃત થયેલા સ્ટાફનું શાલ ઓઢાડીને બહુમાન કરાયુ હતું. ત્યારબાદ સંસ્થાના શિક્ષકો સહિતના વિવિધ સ્ટાફ દ્રારા ગીત-સંગીત સાથે રસપ્રદ મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો. આ પ્રસંગે કેઈએસના ટ્રસ્ટીઓ-કારોબારી સમિતિના સભ્યોમાંથી વાઈસ પ્રેસિડન્ટ મહેશ ચંદારાણા, માનદ ખજાનચી નવીન સંપટ, જોઈન્ટ સેક્રેટરી બીજલ દત્તાણી, સભ્ય વિનોદ શાહ, ભરત દત્તાણી, ડૉ. ગીરિશ ત્રિવેદી, ઉદય શાહ, એ.બી. મહેતા, વગેરે હાજર રહ્યાં હતા. તેમ જ સંસ્થાના સંચાલન હેઠળની સ્કુલ્સ -કોલેજોના પ્રિન્સીપાલ્સ પણ હાજર રહ્યાં હતાં.
