મુંબઈ: કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સીની છેલ્લા વર્ષથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે આખરે ફાઈનલ રિલીઝ ડેટ સામે આવી ગઈ છે.
મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ “ઈમરજન્સી” શરૂઆતમાં 24 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર તે થિયેટરોમાં આવી શકી ન હતી. બાદમાં ફિલ્મની રિલીઝ ડેટ 7 મહિના માટે મોકૂફ રાખવામાં આવી હતી અને તે 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની જાહેરાત થઈ હતી. પરંતુ કંગના રનૌતની ચૂંટણી યાત્રાને કારણે તે પણ મોકૂફ રાખવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીમાં કંગના રનૌતની જીત બાદ આખરે ઈમરજન્સી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. 25 જૂને અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગનાએ ચાહકોને ખુશખબર આપી છે. તેણે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે અને જણાવ્યું છે કે ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં આવી રહી છે. પોસ્ટરમાં અભિનેત્રી ઈન્દિરા ગાંધીના લૂકમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
આ દિવસે ઈમરજન્સી થશે રિલીઝ00
આ પોસ્ટર સાથે કંગના રનૌતે જણાવ્યું કે આ ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પોસ્ટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “સ્વતંત્ર ભારતના સૌથી કાળા અધ્યાયના 50મા વર્ષની શરૂઆત. કંગના રનૌતની ઈમરજન્સી 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ. ભારતીય લોકશાહીના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ એપિસોડની વિસ્ફોટક ગાથા.”
મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ઈમરજન્સીમાં કંગના રનૌત માત્ર મુખ્ય ભૂમિકામાં જ નથી જોવામાં આવી, પરંતુ તેણે આ ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દિવંગત અભિનેતા સતીશ કૌશિક, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મમાં 1975માં ભારતની સૌથી કાળી અધ્યાય ઈમરજન્સીની ગાથા કહેવામાં આવશે.