જૂનાગઢ: જર્જરિત મકાન ધરાશાયી થતા 4 લોકોના મોત, સરકારે કરી સહાયની જાહેરાત

જૂનાગઢ શહેરમાં દાતાર રોડ ઉપર આવેલ કડીયાવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઇ હતી. જોત જોતામાં આ સ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું. આ જર્જરિત મકાન પડતાં 10 લોકો તેમાં દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકે, હવે તેમાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, અત્યાર સુધી તે દૂર્ઘટનામાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે.  આ ધરાશયી થયેલી બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયેલા લોકોને સ્થાનિકો તેમજ ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે જર્જરિત મકાન ધરાશાયી થયાની દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કરી તાત્કાલીક સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય સરકાર દ્વારા ચુકવવામા આવશે.

 

બનાવ બનતાની સાથે ફાયર વિભાગ ઘટનાસ્થળે:

આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથધરી, કાટમાળ હટાવવાની તજવીજ શરૂ કરી છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને બચાવ કાર્યમાં જોડાયા હતા.


પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે:

આ ઘટના અંગે દાતાર પોલીસ સ્ટેશનને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરતાં કાટમાળ નીચે દટાયેલા લોકોને કાઢવા કવાયત હાથ ધરનામાં આવી હતી. આ કાટમાળ નીચે હાલ અનેક લોકો દટાયા હોવાનો અહેવાલ મળી રહ્યા છે.


નગરપાલિકાની નોટિસ અવગણતાં 4 લોકોએ ગુમાવી જિંદગી:

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મકાન ઘણુ જૂનું હતું. મહાનગરપાલિકાએ મકાનમાં રહેતા લોકોને નોટિસ પણ ફટકારી હતી. શનિવારે શહેરમાં આવેલા પૂરને કારણે તેનો પાયો નબળો પડી ગયો હતો, જેને કારણે આજે મકાન ધરાશાયી થયુ હતુ.