અમદાવાદ: ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત JS હોસ્પિટલે રવિવારે તેના નવા પુનઃનિર્મિત અને આધુનિક પરિસરનું અનાવરણ કર્યું. આ પ્રસંગે મહેમાનો 100 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના પરિવર્તનના સાક્ષી બન્યા હતા, જેણે 1983માં સ્થાપના બાદથી અત્યાર સુધીમાં લાખો દર્દીઓની સેવા કરી છે. 2,400 ચોરસ વારના પ્લોટ પર ફક્ત ડાયગનોસ્ટિક સગવડોથી શરૂ થયેલી હોસ્પિટલ આજે રૂ. 70 કરોડથી વધુના રોકાણ સાથે સંપૂર્ણ માળખાકીય સુવિધા સાથે તૈયાર થઈ છે.અપગ્રેડ કરેલી સુવિધામાં આ હોસ્પિટલમાં અદ્યતન સર્જિકલ સંભાળ માટે ત્રણ મોડ્યુલર HEPA-ફિલ્ટરવાળા ઓપરેશન થિયેટર, વેન્ટિલેટર સપોર્ટ સાથે ક્રિટિકલ કેર યુનિટ, સુવિધાથી સજ્જ કાર્ડિયાક કેથ લેબ, આઇસોલેશન વોર્ડ, ડાયાલિસિસ સુવિધા, પેથોલોજી સેવા, ફિઝીયોથેરાપી, ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ અને કેન્સર હોસ્પાઇસ સેન્ટર ઉપલબ્ધ છે.
આ પ્રસંગે બોલતા, JS હોસ્પિટલના મેનેજીંગ તથા ફાઉન્ડર ટ્રસ્ટી નવનીત ઠાકરશીએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય હંમેશા ગુણવત્તાયુક્ત છતાં વ્યાજબી દરે સારવાર આપીને જાહેર અને ખાનગી આરોગ્યસંભાળ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ નવી સુવિધાઓ સમુદાયને વધુ સારી રીતે સેવા આપવાના અમારા વિઝનને પ્રતિબિંબિત કરે છે અને અમને વિશ્વાસ છે કે અમદાવાદના લોકો અમારી સેવાઓનો લાભ મેળવતા રહેશે.”
JS હોસ્પિટલના CFO અનાર ઠાકરશીએ જણાવ્યું હતું કે, “અમે અમારા સમર્થકો, દાતાઓ, ડોકટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફના ખૂબ આભારી છીએ, જેઓ દરેક પડકારમાં અમારી સાથે ઉભા રહ્યા છે. પછી ભલે તે મહામારી હોય, પૂર હોય કે ભૂકંપ હોય. જ્યારે અમે આ નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યાં છીએ, ત્યારે અમે આરોગ્યસંભાળના ગતિશીલ વિકાસ સાથે દર્દીઓની બદલાતી જરૂરિયાતોને સ્વીકારવા માટે તૈયાર છીએ. સસ્તી અને સુલભ સંભાળ પૂરી પાડવાનું અમારું મિશન ચાલુ રાખીશું. અમે દાતાઓને અમારા મિશનને સમર્થન આપવા અને આગળ વધારવા આમંત્રણ આપીએ છીએ, કારણ કે દરેક દાન દર્દીની સંભાળને વધારે છે.”
