J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલા વધી રહ્યા છે. રવિવારે શ્રીનગરમાં મોટો ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલો ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનની બહાર સીઆરપીએફના બંકર પર કરવામાં આવ્યો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 12 નાગરિકો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ રવિવારના બજારમાં ભીડવાળા ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર (TRC) પાસે ગ્રેનેડ ફેંક્યો હતો. શ્રીનગરના લાલ ચોકમાં દર રવિવારે સાપ્તાહિક બજાર ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. હુમલા બાદ કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તપાસ માટે તૈનાત કરવામાં આવ્યું છે. હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

ગઈકાલે, અનંતનાગ અને શ્રીનગરના ખાનયારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં પાકિસ્તાન સ્થિત લશ્કરનો એક વરિષ્ઠ કમાન્ડર પણ સામેલ છે, જે કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે વિસ્તારના એક ઘરમાં છુપાયેલો હતો.