દાંતા: યાત્રાધામ અંબાજી તરફ જતાં અરવલ્લીના ગીરીમાળાની વચ્ચે જ ગંછેરા ગામ આવેલું છે. આ ગામના ડુંગર પાસેની ગુફામાં જય-વિજય નામના જોડિયા શિવલિંગ આવેલા છે. વરસાદી ઋતુના નયનરમ્ય વાતાવરણમાં હિલ સ્ટેશન જેવાં આ ધાર્મિક સ્થળે પવિત્ર શ્રાવણ મહિનાના દર સોમવારે મેળા જેવું વાતાવરણ ઉભું થાય છે.
આ પંથકમાં રહેતાં હરેશસિંહ ચિત્રલેખા.કોમને કહે છે, “આ શિવલિંગ પાંડવકાળના છે. અહીંની લોકવાયકા પ્રમાણે જય-વિજય મહાદેવજીના આ શિવલિંગ સ્વયંભૂ છે. એ પણ ડુંગરની તળેટીમાં ગૂફામાં શિવજીના શિવલિંગ પ્રગટ થયેલા છે. અહીં પહેલાંના વખતમાં ગુફામાં બેસીને શિવલિંગના દર્શન કરવા જવું પડતું હતું. આ જય-વિજય મહાદેવ દાંતા સ્ટેટમાં આવે છે એટલે એના રાજવી મહારાજા ભવાનીસિંહજીએ એમના ભાઇ સવાઇસિંહજીની યાદમાં સવાઇસિંહજીની ધર્મપત્ની ગુલાબકુંવરના હસ્તે મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. એ પછી પાંચ ફૂટના બે વિશાળ શિવલિંગના દર્શન મંદિરમાં જઇને શ્રધ્ધાળુઓ કરી શકે એવી વ્યવસ્થા થઇ હતી. જય-વિજય મહાદેવ શિવલિંગ પાંડવકાળની અનેક યાદો છે. આ સાથે આજ ડુંગર પર બીજા બે વિશાળ શિવલિંગ પણ છે. ભૂતકાળમાં અહીં એક વિશાળ રાજાશાહીનું નગર હોવાના પુરાવા ઘર ઇંટો સાથે મળે છે.”
ડુંગરોની વચ્ચે ગુફામાં આવેલું જય વિજય મહાદેવ મંદિર આસપાસ લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસમાં અહીં પૂજા આરતી બીલીપત્ર અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
