જાપાનની રાજનીતિમાં એક ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સાનાએ તાકાઇચીએ પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરતા વિન્ટર સ્નેપ પોલમાં ભવ્ય જીત નોંધાવી છે. રવિવારે યોજાયેલા આ મધ્ય-શિયાળાના ચૂંટણી પરિણામોએ જાપાનની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ને ફરી એક વખત મજબૂત સ્થિતિમાં સ્થાપિત કરી છે. તાકાઇચીના નેતૃત્વ હેઠળના ગઠબંધને સંસદના 465 સીટ ધરાવતા નીચલા સદનમાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે, જે છેલ્લા અનેક વર્ષોમાં પાર્ટીના શ્રેષ્ઠ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.

મતદાન પૂર્ણ થયાના માત્ર બે કલાકની અંદર જ LDPએ એકલાએ 233 સીટનો જાદુઈ આંકડો પાર કરી લીધો હતો. આ ઝડપભર્યા પરિણામોએ રાજકીય વિશ્લેષકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા. અગાઉ એવું માનવામાં આવી રહ્યું હતું કે પાર્ટી માટે આ ચૂંટણી જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ પરિણામોએ તમામ અંદાજોને ખોટા સાબિત કરી દીધા. આ જીત માત્ર સંખ્યાબળની નથી, પરંતુ તે તાકાઇચીના નેતૃત્વ પર જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ પણ છે.
સાનાએ તાકાઇચી પોતાને બ્રિટનની ભૂતપૂર્વ પ્રધાનમંત્રી માર્ગરેટ થેચર, એટલે કે “આયર્ન લેડી”,થી પ્રેરિત ગણાવે છે. તેમના મજબૂત અને સ્પષ્ટ વિચારધારાવાળા નેતૃત્વને કારણે જાપાનમાં તેમને “આયર્ન લેડી” તરીકે ઓળખવામાં આવી રહી છે. તેમણે દેશની અર્થવ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક કૂટનીતિમાં મજબૂત નિર્ણય લેવાની છબી ઉભી કરી છે, જેનો સીધો ફાયદો તેમને આ ચૂંટણીમાં મળ્યો હોવાનું માનવામાં આવે છે.
આ જીત પર વિશ્વભરના નેતાઓ તરફથી અભિનંદનનો ધોધ વહેવા લાગ્યો છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાનાએ તાકાઇચીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે પ્રતિનિધિસભાની ચૂંટણીમાં મળેલી આ ઐતિહાસિક જીત ભારત-જાપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તાકાઇચીના નેતૃત્વમાં બંને દેશોની મિત્રતા નવી ઊંચાઈઓએ પહોંચશે.


