જન્માષ્ટમી : ડાકોર રણછોડરાયજી મંદિરના દર્શનનો સમય જાહેર કરાયો

જન્માષ્ટમીના તહેવારને લઈને સમગ્ર ગુજરાતમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવા ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. જન્માષ્ટમીના આ તહેવાર પર ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે. લાખોની સંખ્યામા ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે ત્યારે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા આવતા ભક્તોની સુવિધા માટે દર્શનનો સમય જાહેર કરવામા આવ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા આવતા ભક્તોની સુવિધા માટે દર્શનનો સમય જાહેર કર્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં આગામી 7 સપ્ટેમ્બરના રોજ દર્શનનો સમય નીચે મુજબનો રહેશે.


7 સપ્ટેમ્બરના રોજ રણછોડરાયજી મંદિરના દર્શનનો સમય

ટેમ્પલ કમિટીએ આપેલ જાણકારી મુજબ સવારે 6:30 વાગે નિજ મંદિર ખુલી જશે અને 6:45 ના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર ઠાકોરજીની સેવા પૂજા થશે, બપોરના 1:00 વાગ્યાના અરસામાં ઠાકોરજી પોઢી જશે આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે તેમજ વૈષ્ણવનો મંદિર પ્રવેશ બંધ રહેશે, સાંજના 4:45 વાગ્યે નિજ મંદિર ખોલી 5:00 વાગ્યાના અરસામાં આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થશે. રાત્રિના 12:00 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે, પંચામૃત સ્નાન થશે, શ્રી ઠાકોરજીની સેવા તેમજ શૃંગાર ધરાવીને શ્રી ઠાકોરજી મોટો મુગટ ધારણ કરાવવામાં આવશે, મોટા મુગટ ધારણ કર્યા બાદ શ્રી ગોપાલ લાલજી મહારાજ સોનાના પારણામાં બિરાજમાન થઈ પારણામાં ઝુલશે ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી થઈ શ્રી ઠાકોરજી પોઢી જશે અને વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રહેશે.

8 સપ્ટેમ્બરના રોજ રણછોડરાયજી મંદિરના દર્શનનો સમય

સવારના 8:45 વાગે નિજ મંદિર ખુલી 9:00 વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થઈ ત્યારબાદ નંદ મહોત્સવ ઉજવાશે.