જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે આજે એક અત્યંત આઘાતજનક અને દુખદ ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વમાં જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે જ આમ આદમી પાર્ટી (AAP)ના એક ઉમેદવારનું હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જામનગરના રાજકીય આલમમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મતદાન મથક પર પ્રક્રિયા દરમિયાન જ ઉમેદવારની તબિયત અચાનક લથડી હતી અને તેઓ ઢળી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમને તીવ્ર હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાયું હતું. તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક સક્રિય ઉમેદવારના આકસ્મિક મોતના સમાચારથી ‘આપ’ના કાર્યકરો અને સમર્થકો સ્તબ્ધ થઈ ગયા છે. હાલમાં વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો આ ઘટનાને પગલે શોક વ્યક્ત કરી રહ્યા છે.
જામનગરની આ દુખદ ઘટના ઉપરાંત, રાજ્યના અન્ય ભાગોમાં પણ મતદાન દરમિયાન મોતના સમાચારથી ગમગીની છવાઈ ગઈ છે. પાટણમાં માયાનગરના રહેવાસી કમળાબેન અનિલભાઈ બી.એમ. હાઈસ્કૂલ ખાતે મતદાન કરીને બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની તબિયત લથડતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક 108 મારફતે જનતા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દમ તોડ્યો હતો.
બીજી તરફ, આણંદના પેટલાદ તાલુકાના સાંસેજ ગામે બૂથ નંબર-1 પર ફરજ બજાવી રહેલા કર્મચારી અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. સાંસેજ ગ્રામ પંચાયતમાં પટાવાળા તરીકે કાર્યરત અમિતભાઈ ફરજ દરમિયાન જ અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાબડતોબ તારાપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકશાહીના પર્વ વચ્ચે બનેલી આ ઘટનાઓએ સ્થાનિકોમાં અરેરાટી ફેલાવી દીધી છે.




