ઈલેક્ટ્રોનિક્સ ડિજીટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજનો ઉગ્ર વિરોધ

ભાવનગર: સોનગઢમાં સુવર્ણપૂરી જૈન તીર્થક્ષેત્રમાં હાલ નિર્માણાધીન ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. સમાજના આગેવાનોને કહેવું છે કે, કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય, ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ્યની વિરુદ્ધ થઈ રહ્યું છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિધ્ધાંતો મુજબ વિવિધ જીવોની મોટી હિંસા થાય તેમ છે. આ પ્રોજેક્ટનું નિર્માણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની તથા અહીં અગાઉ ટ્રસ્ટ દ્વારા નક્કી થયા મુજબ જૈન ધર્મના ભગવાનોની પ્રતિમાઓ બિરાજમાન કરવા તેમજ વિશાળ ડોમ ફરતે ભવ્ય ઝાંખી બનાવવાનો પ્રોજેક્ટ સાકાર કરવાની માંગણી કરવામાં આવી છે.

સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સોનગઢમાં દિગંબર જૈન ધર્મનું સુવર્ણપુરી તીર્થધામ બન્યું છે. આધ્યાત્મિક સંત પૂજ્ય કાનજી સ્વામી અને પૂજ્ય બહેન ચંપાબેને અહીં 45 વર્ષ સુધી સાધના કરીને જૈન ધર્મના ઉપદેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અહીં ટ્રસ્ટ દ્વારા એક કૃત્રિમ પર્વત બનાવીને બાહુબલી ભગવાનની 41 ફૂટ ઉંચી પ્રતિમા, સૂર્યકીર્તિ ભગવાનની આરસની મોટી પ્રતિમા બિરાજમાન કરવા તથા જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન તેમજ જ્ઞાની પુરુષ કાનજી સ્વામી તેમજ બહેન ચંપાબેનનો ઈતિહાસ મોડેલ સ્વરૂપે ટંકોત્કીર્ણ કરીને ઝાંખી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે વિશ્વમાં પહેલો વહેલો વિશાળ લંબગોળ ડોમ અને તેમાં ઝાંખી બનાવવાનો વિચાર અને ડિઝાઈન રાજેન્દ્ર વી. શાહ (રાજુભાઈ-પાર્લા)એ આપ્યો હતો. તે મુજબના આયોજન સાથે અહીં કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડોમમાં ક્યારેય કોઈ અન્ય વ્યક્તિ, ટ્રસ્ટી કે બીજી વિચારધારા ધરાવતા વ્યક્તિના મન મુજબ ફેરફાર ન કરી શકે કે બીજી કોઈ સ્થાપના ન કરી શકે, તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું.જો કે, નેમિષ શાંતિલાલ શાહે પોતાના પાવર, પોતાની પ્રસિદ્ધિ માટે અને પોતાના ઈરાદાઓ પાર પાડવા અહીં સૂર્યકિર્તિ ભગવાનને બિરાજમાન કરવા ઉપર ચેરિટી કમિશનર પાસે જઈને ખોટી રીતે ગેરકાયદેસર સ્ટે લઈ આવ્યા હતા. તેમણે છળ કપટથી, પ્રપંચો કરીને અહીં ઈલેક્ટ્રોનિક્સ ડિજીટલ પ્રોજેક્ટ બનાવવા માટે જીદ કરીને, જબરદસ્તીથી પ્રમુખ હસમુખભાઈ વોરા પાસે ગેરકાયદેસર રીતે આ પ્રોજેક્ટનું નિર્માણ કરવાનું નક્કી કરાવડાવ્યું હતું. જો કે, સમય જતાં સમાજને અને ટ્રસ્ટીઓને ખબર પડી હતી કે, આ ઈલેક્ટ્રોનિક્સ ડિજીટલ પ્રોજેક્ટમાં મોટાં પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, લાઈટોનો ઉપયોગ થવાનો છે અને મોટાં-મોટાં એસી લાગવાના છે. વળી, તેમાં ભારે માત્રામાં પાણીનો પણ ઉપયોગ થવાનો છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિધ્ધાંતો મુજબ છ કાયના જીવોની મોટી હિંસા થાય તેવી ભીતિ છે. જે અમારા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની આજ્ઞાની વિરૂધ્ધ છે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટનું નિર્માણ અમારા ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ વિરૂધ્ધ છે અને નીતિ નિયમોનું ઘોર ઉલ્લંઘન છે.

આ પ્રોજેક્ટનું કામ 2017 થી ઓક્ટોબર-2025 સુધી બંધ હતું. પરંતુ તેમણે અહીં ફરીથી પ્રોજેક્ટનું નિર્માણકાર્ય શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટ જીવ હિંસાને પ્રેરે છે તેથી જૈન સમાજ આનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યું છે. આ પ્રોજેક્ટના નિર્માણ કાર્યને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પણ અપીલ જૈન સમાજ તરફથી કરવામાં આવી છે.