રૂ. 3500 કરોડના દારૂના કૌભાંડની ચાર્જશીટમાં જગન મોહન રેડ્ડીનું નામ

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશમાં 3500 કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડમાં ભૂતપૂર્વ CM YS જગનમોહન રેડ્ડી પર પણ લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કૌભાંડના સંબંધમાં આંધ્ર પ્રદેશ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે દર મહિને આશરે 50થી 60 કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી, જેમાં રેડ્ડીનો પણ સમાવેશ થતો હોવાનું જણાવવામાં આવ્યું છે.

જોકે આ કેસમાં جگનમોહન રેડ્ડીને આરોપી તરીકે નામિત કરાયા નથી, પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે 2019થી 2024 વચ્ચે તેઓએ દારૂ કંપનીઓ પાસેથી વસુલાત થયેલા પૈસા મેળવ્યા હતા. નોંધનીય છે કે આ સમયગાળામાં રાજ્યમાં રેડ્ડી નિતિૃત્વ હેઠળની સરકાર સત્તામાં હતી.

વર્ષ 2024માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં રેડ્ડીની પાર્ટી YSRCPને હાર મળી હતી અને રાજ્યમાં હવે TDP, ભાજપ અને પવન કલ્યાણની જનસેના પાર્ટીની ગઠબંધન સરકાર છે. આ ચાર્જશીટ અનુસાર 2019થી 2024 વચ્ચે દર મહિને દારૂ કંપનીઓ પાસેથી વસૂલાત થયેલા પૈસા કેસિરેડ્ડી રાજશેખર રેડ્ડી (A-1) દ્વારા વિજયસાઈ રેડ્ડી (A-5), મિથુન રેડ્ડી (A-4) અને બાલાજી (A-33) સુધી પહોંચાડવામાં આવ્યા અને અંતે આ પૈસા જગનમોહન રેડ્ડી સુધી પહોંચ્યા હતા.

 સાંસદની ધરપકડ

લોકસભાના સાંસદ અને YSRCPના નેતા મિથુન રેડ્ડીની ધરપકડ પછી આ મામલે અનેક માહિતીઓ બહાર આવી છે. SIT અનુસાર મિથુન રેડ્ડી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે. આરોપ છે કે તેમણે દારૂ નીતિ ઘડવામાં અને ડિસ્ટિલરી કંપનીઓ પાસેથી લાંચ લીધી હતી. આ આરોપપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 2019માં હૈદરાબાદની હયાત હોટેલમાં YSRCPના નેતાઓ અને દારૂ કંપનીઓના માલિકો વચ્ચે બેઠક મળી હતી, જેમાં લાંચ આપવાનું નક્કી થયું હતું.