ઈસ્તાંબુલમાં નાઈટ ક્લબમાં ભીષણ આગ, 29 ના મોત

તુર્કીમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ઈસ્તાંબુલ શહેરમાં એક નાઈટક્લબમાં રિનોવેશન દરમિયાન ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘાયલોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.

 

સ્થાનિક મીડિયા અનુસાર તુર્કીના ઈસ્તાંબુલમાં એક નાઈટ ક્લબમાં દિવસ દરમિયાન રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અહીં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે. ઈસ્તાંબુલના ગવર્નર ઓફિસે જણાવ્યું કે અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. જેમાંથી સાતની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

 

આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. શહેરના યુરોપીયન ભાગના બેસિક્તાસ જિલ્લામાં આગ ફાટી નીકળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગમાં જીવ ગુમાવનારા તમામ પીડિત કામદારો હતા. આ નાઇટ ક્લબ ભોંયરામાં સ્થિત હતી. તુર્કીના ન્યાય પ્રધાન યિલમાઝ તુનાકે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે પાંચ લોકો માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. જેમાં નાઇટ ક્લબ મેનેજમેન્ટના ત્રણ લોકો અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ એક વ્યક્તિનો સમાવેશ થાય છે.