પ્રિયંકા ગાંધીના આરોપોનો ઇઝરાયલે આપ્યો આકરો જવાબ

નવી દિલ્હીઃ સંસદમાં પેલેસ્ટાઇનની બેગ લઈને પહોંચી પ્રિયંકા ગાંધીએ ફરી એક વાર ગાઝા અંગે ટિપ્પણી કરીને ઇઝરાયલની ટીકા કરી છે. જોકે આ વખતે ઇઝરાયલે પ્રિયંકા પર પલટવાર કરતાં તેમના પર સવાલ ઊભા કર્યા છે. દેશમાં ઇઝરાયલના રાજદૂત રિયુવન અઝારે પ્રિયંકા ગાંધીની પોસ્ટનો જવાબ આપતાં કેટલાક તથ્યો રજૂ કર્યાં છે. એ સાથે જ ઇઝરાયલે પ્રિયંકાને હમાસના આંકડાઓ પર ભરોસો ન રાખવા અપીલ કરી છે.

ઇઝરાયેલનો જવાબ

પ્રિયંકાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં ભારતમાં ઇઝરાયલી રાજદૂત રિયુવન અઝારે તેને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલે 25,000થી વધુ હમાસના આતંકવાદીઓને પણ મારી નાખ્યા છે. હમાસની કાયરતાપૂર્ણતાને કારણે સામાન્ય લોકોને તેની કિંમત ચૂકવવી પડી છે. આ હુમલા સમયે હમાસ સામાન્ય લોકો વચ્ચે છુપાઈ જાય છે. તે લોકો પર રોકેટ ફાયર કરે છે.

ઇઝરાયલી રાજદૂતના મુજબ ઇઝરાયેલે ગાઝામાં બે મિલિયન ટન ખોરાક મોકલ્યો, જેને હમાસે જપ્ત કરી લીધો અને ગાઝામાં ભૂખમરો ફેલાવી દીધો. ગાઝાની વસ્તી છેલ્લાં 50 વર્ષમાં 450 ટકા વધી છે. ત્યાં કોઈ નરસંહાર થયો નથી. હમાસના આંકડાઓ પર ધ્યાન ન આપો.

પ્રિયંકાનું ગાઝાના પક્ષમાં નિવેદન

હકીકતમાં પ્રિયંકા ગાંધીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતાં ઇઝરાયેલ પર નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ઇઝરાયલે 60,000થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, જેમાં 18,430 બાળકો પણ સામેલ છે. ગાઝામાં બાળકો સહિત ઘણા લોકો ભૂખે મરી રહ્યા છે. આ મુદ્દે ચૂપ રહેવું અને આ બધું થતા જોવું પોતે જ એક મોટો ગુનો છે.

ભારત સરકાર પર નિશાન સાધતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ઇઝરાયલે પેલેસ્ટાઇનમાં વિનાશ વેર્યો છે અને ભારત સરકાર બિલકુલ ચૂપ છે. આ અત્યંત શરમજનક છે.