નવી દિલ્હીઃ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં છે, કેમ કે તેમના જૂના સહયોગીએ તેમનો સાથ છોડવાનો નિર્દેશ આપ્યો છે. ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ જાહેરાત કરી છે કે તે સંસદમાં સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે અને મતદાન દ્વારા બહુમત સાબિત કરવાની માગ કરશે. જો આમ થશે તો ટ્રુડો સરકાર પડવા સાથે નવા વર્ષના પ્રારંભે કેનેડામાં સામાન્ય ચૂંટણી પણ થવાની શક્યતા છે.
NDPના નેતા જગમીત સિંહે પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે 27 જાન્યુઆરીએ હાઉસ ઓફ કોમન્સના ચૂંટાયેલા સંસદીય બેઠકમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જો આ અવિશ્વાસ પ્રસ્તાવમાં તેમને અન્ય વિરોધ પક્ષોના સભ્યો મતદાન કરશે તો ટ્રુડોની સરકારે રાજીનામું આપવું પડશે.
જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીની પાસે સંસદમાં બહુમત નથી અને તે અત્યાર સુધી કાયદો પસાર કરવા અને સરકાર ચાલુ રાખવા માટે NDPના મતો પર નિર્ભર છે. જગમિત સિંહ અને ટ્રુડોની સરકારની વચ્ચે એક ઔપચારિક સમજૂતી થઈ હતી, પણ હવે NDP નેતા સપ્ટેમ્બરમાં એ સમજૂતીમાંથી હટી ગયા છે.
My letter sent today to Prime Minister Justin Trudeau. pic.twitter.com/VWPtQ6QKdh
— Chandra Arya (@AryaCanada) December 20, 2024
ટ્રુડોએ રાજીનામાના અહેવાલો વચ્ચે કહ્યું હતું કે તેઓ PMપદ છોડવાના નથી. તેઓ પોતાની પાર્ટીનું નેતૃત્વ કરીને આગામી ચૂંટણી લડશે. પરંતુ જગમિત સિંહે એમ પણ કહ્યું હતું કે સરકારનો સમય પૂરો થઈ ગયો છે. લિબરલ પાર્ટીનું નેતૃત્વ કોઈ પણ કરે, આ સરકાર હવે ચાલી શકે નહીં. તેથી તેમણે હાઉસ ઓફ કોમન્સમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. બ્લોક ક્વિબેકોઈસ અને કન્ઝર્વેટિવ પાર્ટી સહિતના વિપક્ષી દળોએ પણ આ પ્રસ્તાવ માટે સંમતિ દર્શાવી છે.