નવી દિલ્હીઃ શું હરિયાણામાં નાયબ સિંહ સૈનીના નેતૃત્વવાળી ભાજપ સરકાર મુસીબતમાં છે? હરિયાણાના 23 વિધાનસભ્યોની જીતને હાઇકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે, એમાં 18 વિધાનસભ્ય ભાજપના છે. એમાં ચાર વિધાનસભ્ય તો સૈની સરકારમાં મંત્રી છે.
આ સિવાય ઇન્ડિયન નેશનલ લોકદળ, કોંગ્રેસ અને અપક્ષ વિધાનસભ્યોની જીતને પણ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. આ વિધાનસભ્યો અને મંત્રીઓની ચૂંટણીને ગેરકાયદે ઘોષિત કરવાની માગ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કરવામાં આવી છે.ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણામાં મોટી જીત હાંસલ કરતા સતત ત્રીજી વાર સરકાર બનાવી હતી.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2024એ ઇતિહાસ રચ્યો હતો. રાજ્યમાં ચૂંટણીનાં પરિણામ સામે આવી ગયા છે. 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 48, કોંગ્રેસને 37, આઇએનએલડીને બે અને અપક્ષને ત્રણ બેઠકો મળી છે. ભાજપ હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવશે. આ સાથે જ ફરી એક વાર અહીં ડબલ એંજિન સરકાર અસ્તિત્વમાં આવશે. અત્યાર સુધી અહીં કોઇ રાજકીય પક્ષે સતત ત્રણ વખત સરકાર બનાવી નથી.
આ ચૂંટણીમાંથી કેટલીક અરજીઓ પર સુનાવણી શરૂ થઈ ચૂકી છે અને મોટા ભાગની અરજીઓ પર ફેબ્રુઆરીમાં સુનાવણી થવાની છે. હવે જોવાનું એ રહે છે કે શું કોર્ટનો ચુકાદો હરિયાણાની ભાજપ સરકાર માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરશે કે ભાજપના વિધાનસભ્યો અને મંત્રીઓને હાઇકોર્ટમાંથી રાહત મળશે?