ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ ગાયિકાની ધરપકડ

ઈરાન: ઓનલાઈન કોન્સર્ટ દરમિયાન હિજાબ ન પહેરવા બદલ મહિલા ગાયિકાની પરસ્તુ અહમદી ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ બુધવારે 11 ડિસેમ્બરે યુટ્યુબ પર કોન્સર્ટનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં અહમદી સ્લીવલેસ ડ્રેસ પહેરીને ગીત ગાતી હતી. વીડિયો અપલોડ થયા બાદ ગુરુવારે કોર્ટમાં અહમદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી શનિવારે અહમદીની ધરપકડ કરવામાં આવી હતી.

 27 વર્ષીય પરસ્તુ અહમદીના ઈરાનના વકીલે જણાવ્યું કે, તેની ઈરાનના ઉત્તરી પ્રાંત મઝંદરનની રાજધાની સારીમાંથી પોલીસે ધરપકડ કરી છે. બીજી તરફ પરસ્તુ અહમદીએ યુટ્યુબ પર વીડિયો અપલોડ કરવાના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, હું મને ગમતા લોકો હોય એમના માટે ગાવા માગુ છું. હું આ અધિકારની અવગણના કરી શકતી નથી. હું જે જમીનને પ્રેમ કરું છું તેના માટે ગીત ગાઉં છું.યુટ્યુબ પર પરસ્તુ અહમદીના આ વિડીયોને 16 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ધરપકડ બાદ તેને ક્યાં રાખવામાં આવી છે, તેની માહિતી કોઈની પાસે નથી. આ સિવાય તેની સામે કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે તે પણ સ્પષ્ટ નથી. પરસ્તુ અહમદી ઉપરાંત જે બે સંગીતકારોની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ સોહેલ ફગીહ નસિરી અને એહસાન બેરાગદાર છે. બંનેની રાજધાની તેહરાનમાંથી ધરપકડ કરવામાં આવી છે.ઈરાનમાં 1979માં હિજાબને ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. 1979 પહેલા ઈરાનમાં મહિલાઓના વસ્ત્રો અંગે કોઈપણ પ્રકારના પ્રતિબંધો નહોતા. હાલમાં જ 15 ઓગસ્ટ, 2023ના રોજ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ એક આદેશ પર હસ્તાક્ષર કર્યા અને તેને ડ્રેસ કોડ તરીકે સખત રીતે લાગુ કરવા કહ્યું. નવા કાયદા મુજબ હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાઓને મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. નવા કાયદાની કલમ 60 હેઠળ દોષિત મહિલાઓને દંડ, કોરડા અથવા સખત કેદની સજા થઈ શકે છે.