ઈરાને ફરી પાકિસ્તાનમાં ઘૂસીને કરી એરસ્ટ્રાઈક

ઈરાનીએ ફરી એકવાર પાકિસ્તાનમાં ઘુસીને પ્રહારો કર્યા છે. તેમની સેનાએ જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર હુમલો કરીને આતંકી સંગઠનના કમાન્ડર ઈસ્માઈલ શાહબક્ષ અને તેના કેટલાક અન્ય સહયોગીઓને મારી નાખ્યા છે. ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને આ માહિતી બહાર આવી છે. અહેવાલ છે કે ઈરાનની સેનાએ શુક્રવારે સાંજે સીસ્તાન-બલુચિસ્તાનના સરહદી પ્રાંતની નજીક પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી શાહબક્ષને ઠાર માર્યો હતો. તાજેતરમાં બંને દેશોએ એકબીજા પર હવાઈ હુમલા કર્યા હતા.


અલ અરેબિયા ન્યૂઝના અહેવાલ મુજબ, જૈશ અલ-અદલની રચના વર્ષ 2012માં થઈ હતી. ઈરાને તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ એક સુન્ની આતંકવાદી જૂથ છે. આ સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી સંચાલિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સેનાના જવાનોને નિશાન બનાવ્યા છે અને તેમના પર હુમલા કર્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને તેની જવાબદારી લીધી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સમજૂતી થઈ હતી

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને એકબીજાના વિસ્તારોમાં આતંકવાદી ટાર્ગેટ પર હવાઈ હુમલા બાદ પાકિસ્તાન અને ઈરાન સુરક્ષામાં સહયોગ કરવા માટે સંમત થયા હતા. આ કરારની જાહેરાત પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની અને તેમના ઈરાનના સમકક્ષ હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી. આ પત્રકાર પરિષદ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં યોજાઈ હતી. આ દરમિયાન જિલાનીએ કહ્યું હતું કે ઈરાન અને પાકિસ્તાન બંને જલદી ગેરસમજ દૂર કરી શકે છે. બંને દેશો પોતપોતાના ક્ષેત્રમાં આતંકવાદ સામે લડવા અને એકબીજાની ચિંતાઓને દૂર કરવા પણ સંમત થયા હતા.

જો કે ઈરાનના હુમલા બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવ વધવાની પૂરી શક્યતાઓ છે. સમજૂતી પહેલા તેહરાન અને ઈસ્લામાબાદ વચ્ચે તણાવ વધી ગયો હતો. ઈરાને જૈશ અલ-અદલના બે હેડક્વાર્ટરને નષ્ટ કરવા માટે 16 જાન્યુઆરીની મોડી રાત્રે પાકિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે.