ઈરાને પાકિસ્તાનમાં 2 આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો

ઈરાને પાકિસ્તાનમાં આતંકી સંગઠનોના અડ્ડા પર હુમલો કરવાનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ એક હવાઈ હુમલો હતો અને તેને બલુચિસ્તાનના પંજગુરમાં કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઈરાને કહ્યું કે તેણે આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડા પર હુમલો કર્યો છે, જો કે અત્યાર સુધી પાકિસ્તાન તરફથી આ હુમલાની ન તો કોઈ પુષ્ટિ કરવામાં આવી છે કે ન તો કોઈ ઈન્કાર કરવામાં આવ્યો છે.

 

મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો

મંગળવારે પાકિસ્તાનમાં બલોચી આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે ઠેકાણાઓને મિસાઈલ વડે નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા ઈરાક અને સીરિયામાં મિસાઈલ હુમલાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આતંકવાદી જૂથ અગાઉ પણ પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો પર હુમલો કરી ચૂક્યું છે. સંક્ષિપ્ત માહિતી આપતા ઈરાની મીડિયાએ કહ્યું કે, આ લક્ષ્યો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો.

બે અડ્ડાઓ પર હુમલો કર્યો

ઈરાનનો દાવો છે કે તેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનમાં સુન્ની બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોન વડે આ હુમલો કર્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે ઈરાને પાકિસ્તાનમાં જૈશ અલ-અદલના બે અડ્ડાઓ પર હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી જૂથે પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ઈરાની સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો.