IPS પૂરનના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટવાથી કરી આત્મહત્યા કરીઃ ASI

નવી દિલ્હીઃ હરિયાણાના IPS અધિકારી વાય. પૂરનકુમારની આત્મહત્યા કેસની તપાસ વચ્ચે રોહતકમાં એક અન્ય પોલીસ અધિકારી (ASI)એ આત્મહત્યા કરી છે અને ત્રણ પાનાંની સુસાઇડ નોટ પણ લખી છે, તેમાં ASIએ પૂરનકુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતકની ઓળખ સંદીપ લાઠર તરીકે થઈ છે, જે રોહતક પોલીસની સાયબર સેલમાં ફરજ બજાવતા હતા.

પૂરનકુમાર ભ્રષ્ટ પોલીસ કર્મચારી હતા

રોહતકની સાયબર સેલમાં ASI સંદીપ, મૃત પૂરનકુમાર સામેના ભ્રષ્ટાચારના એક કેસની તપાસ કરી રહ્યા હતા. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે તેઓ સત્ય માટે પોતાનું જીવન આપી રહ્યા છે. સંદીપકુમારે આરોપ લગાવ્યો છે કે વાય. પૂરનકુમાર ભ્રષ્ટ પોલીસ કર્મચારી હતા અને જ્યારે તેમને પોતાના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટવાનો ડર લાગ્યો ત્યારે તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

મોત પહેલાં રેકોર્ડ કરાયેલા એક વિડિયો સંદેશમાં સંદીપકુમારે કહ્યું હતું કે રોહતક રેન્જમાં YS પૂરનકુમારની નિમણૂક થયા પછી તેમણે ઈમાનદાર પોલીસ અધિકારીઓની જગ્યાએ ભ્રષ્ટ અધિકારીઓની નિમણૂક શરૂ કરી દીધી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ લોકોએ ફાઈલ્સ અટકાવી દીધી, અરજદારોને બોલાવીને તેમને માનસિક રીતે હેરાન કર્યા અને પૈસા માગ્યા હતા. બદલીને બદલે મહિલા પોલીસ કર્મચારીઓનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું.

સંદીપકુમારે આરોપ લગાવ્યો હતો કે પૂરનનો ભ્રષ્ટાચાર ખૂબ હતો. પોતાના વિરુદ્ધ ફરિયાદ થવાના ડરથી તેમણે આત્મહત્યા કરી હતી. અંતિમ વિડિયોમાં ASI સંદીપે રોહતકના ભૂતપૂર્વ SP નરેન્દ્ર બિજારનિયાને સમર્થન કર્યું, જેમની આ ઘટનાના પછી બદલી કરવામાં આવી હતી. આ વિડિયોમાં સંદીપે કહ્યું હતું કે નરેન્દ્ર બિજારનિયા એક ઈમાનદાર પોલીસ અધિકારી છે.

પૂરનકુમારની પત્ની અને દીકરીઓને રાહુલે કરી મુલાકાત

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે જ પૂરનકુમારની પત્ની અને દીકરીઓ સાથે મુલાકાત કરી હતી અને તેના થોડા કલાકો બાદ આ ઘટના બની હતી. IPS પૂરને ગયા મંગળવારે ચંડીગઢ સ્થિત નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. પોતાની સુસાઇડ નોટમાં તેમણે 16 વરિષ્ઠ IAS અને IPS અધિકારીઓનાં નામ લખ્યાં હતાં અને તેમના પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો તેમ જ પોતાની આત્મહત્યાના નિર્ણય માટે સીધા જવાબદાર ઠેરવ્યા હતા.