બજેટ શેરબજારને પસંદ ના આવતાં રોકાણકારોના 2.41 લાખ સ્વાહા

અમદાવાદઃ બજેટના દિવસે સ્થાનિક શેરબજાર બેતરફી વધઘટે અથડાઈને અંતે સપાટ બંધ રહ્યું હતું. પ્રોત્સાહક બજેટના આશાવાદે ઘરેલુ બજાર તેજી સાથે ખૂલ્યા હતા. અનેક સેક્ટર્સમાં તેજી હતી, પરંતુ બજેટમાં કંપનીજગત માટે કોઈ મોટી પ્રોત્સાહક જાહેરાત ના આવતાં શેરોમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી થઈ હતી. આ સાથે અમેરિકાએ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટ્રેડ ટેરિફ પહેલી ફેબ્રુઆરીથી લગાવવાનું એલાન કરતાં એની પ્રતિકૂળ અસર પડી હતી. શેરબજારને બજેટ પસંદ ના આવતાં નાણાપ્રધાનના ભાષણ દરમ્યાન (82 મિનિટમાં) રૂ. 2.41 લાખ કરોડ ડૂબ્યા હતા.

સરકારે બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત આપતાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો સેક્ટરમાં તેજી થઈ હતી. ત્યાર બાદ રિયલ્ટી શેરોમાં પણ તેજી થઈહતી. જોકે નિફ્ટી બેન્ક, ફાઇનાન્શિયલ  સર્વિસિઝ, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી થઈ હતી.

નાણાપ્રધાને હવે નવી ટેક્સ પદ્ધતિ હેઠળ વાર્ષિક રૂ. 12 લાખ સુધીની આવકવાળાને કોઈ ઇન્કમ ટેક્સ નહીં આપવો પડેની જાહેરાત કરી હતી. આ પ્રકારના એલાનોથી શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મૂડી ખર્ચ મામલે બજારને નિરાશા મળી હતી. આ સિવાય રોકાણકારોએ નફારૂપી વેચવાલી કાઢી હતી.

સરકારે હાલના નાણાકીય વર્ષ આશરે રૂ. 11 લાખ કરોડના મૂડી ખર્ચનું લક્ષ્ય રાખ્યું હતું. જોકે સરકારે મૂડી ખર્ચનો લક્ષ્યાંક યથાવત્ રાખ્યો હતો. જેથી રોકાણકારોએ શેરોમાં વેચવાલી કાઢી હતી.