ઓટ્ટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુન ધાર્મિક આધારે ભારતને વિભાજિત કરવા ધારે છે. જોકે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે કેનેડિયન યુટ્યુબરે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારતને વિભાજિત કરવાના એજન્ડા સામે ચેતવણી ઉચ્ચારી છે. યુટ્યુબરે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુની આકરી ઝાટકણી કાઢી હતી.
કેનેડિયન યુટ્યુબર નેન્સી ગરેવાલે પન્નુને તેના ત્રણ મિનિટના વિડિયોમાં પાકિસ્તાન ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)નો એજન્ટ ગણાવ્યો હતો. આ ઉપરાંત તેણે તેને પાખંડી ગણાવ્યો હતો. પન્નુ- દરેક જણ તારી હેસિયત જાણે છે. તું પંજાબમાં રહેતો નથી. તું ઇચ્છતો નથી કે તારું ફેમિલી પણ ત્યાં રહે. તારો ઇરાદો માત્ર ભારતને તોડવાનો છો, – જે અમે જાણીએ છીએ. જો તારામાં હિંમત હોય તો તું ભારત આવ અને તારી માગ મૂક, એમ તેણે કહ્યું હતું.
ગરેવાલે આક્ષેપ કર્યો હતો કે પન્નુન અમેરિકા અને કેનેડામાં લક્ઝરી વિલા ધરાવે છે. જે તેણે મળેલા ફંડમાંથી ઊભું કર્યું છે. તેણે સવાલ કર્યો હતો કે પન્નુન શું કામ પંજાબમાં મૂડીરોકાણ નથી કરતો. તેણે ટ્રુડોને સંબોધિત કરતાં કહ્યું હતું કે શું તમે કેનેડામાં ખાલિસ્તાન બનાવવા ધારો છો? તમે ભારતને વિભાજન કરવાના એજન્ડાને પ્રોત્સાહન આપવાનું બંધ કરો, એમ તેણે કહ્યું હતું.
ગુરુપતવંત સિંહ પન્નુન કેનેડામાં રહીને ખાલિસ્તાની ચળવળ ચલાવતો એક નેતા છે, જે શીખ ફોર જસ્ટિસ માટે કામ કરી રહ્યો છે. પન્નુને ભારતને તોડવાની જવાબદારી લીધી છે.