આગ લાગવાના જોખમને લીધે હ્યુન્ડાઈ, કિયાએ અમેરિકામાં લાખો વાહનો પાછા મગાવ્યા

ન્યૂયોર્કઃ હ્યુન્ડાઈ અને કિયા કંપનીઓએ અમેરિકામાં 34 લાખ વાહનો પાછા મગાવ્યા છે અને વાહનમાલિકોને કહી રહી છે કે તેઓ એમના વાહન બહાર પાર્ક કરે, કારણ કે એન્જિન કમ્પાર્ટમેન્ટમાં આગ લાગવાનું જોખમ રહેલું છે.

આ કંપનીઓએ 2010થી લઈને 2019ના વર્ષોમાં બનાવેલી અનેક મોડેલની કાર અને એસયૂવી મગાવી છે. આમાં હ્યુન્ડાઈની ‘સેન્ટા ફે’ એસયૂવી અને કિયાની ‘સોરેન્ટો’ એસયૂવીનો સમાવેશ થાય છે.

અમેરિકાની સેફ્ટી રેગ્યૂલેટર સંસ્થાએ પોસ્ટ કરેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે ઉક્ત બંને કંપનીઓના વાહનોમાં રહેલા એન્ટી-લોક બ્રેક કન્ટ્રોલ મોડ્યૂલમાં પ્રવાહીનું ગળતર થવાની અને એને કારણે ઈલેક્ટ્રિક શોર્ટ થવાનું જોખમ રહેલું છે. એને લીધે વાહનને પાર્ક કરાયું હોય ત્યારે અથવા હંકારવામાં આવતું હોય ત્યારે એમાં આગ લાગી શકે છે. બંને કંપનીએ વાહનમાલિકોને સલાહ આપી છે કે એમણે એમના વાહનને જ્યાં સુધી રીપેર કરી આપવામાં ન આવે ત્યાં સુધી ઘર કે ઈમારતથી દૂર આઉટડોર પાર્ક કરવું. કંપનીઓના ડીલર્સ વાહનમાલિકો પાસેથી કોઈ ચાર્જ લીધા વગર એન્ટી-લોક બ્રેક ફ્યૂઝને રીપ્લેસ કરી આપશે.