નવી દિલ્હીઃ યાગી વાવાઝોડાએ મ્યાનમારમાં ભારે વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. જેનાથી 500થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 77 લોકો લાપતા થયા છે. પૂરને કારણે છ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સ્થિતિ બહુ ખરાબ છે. રાહત અને બચાવ કાર્યમાં ટીમોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતે મ્યાનમારને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. આ વર્ષના એશિયાના સૌથી શક્તિશાળી વાવાઝોડા યાગીએ એક સપ્તાહ પહેલાં મ્યાનમાર, લાઓસ અને વિયેતનામમાં ભારે વિનાશ વેર્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે સદભાવ અભિયાન હેઠળ નેવી અને એરફોર્સે મ્યાનમારને મદદ માટે બીજી ખેપ મોકલી દીધી છે. ત્યાં 32 ટન રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે. એ સાથે 10 ટન અનાજ સામગ્રી પણ મોકલવામાં આવી છે. વિયેતનામને 37 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે.
મ્યાનમારમાં કોમ્યુનિકેશનના મુશ્કેલીઓ આવવાને કારણે સટિક આંકડા કાઢવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. વાવાઝોડા યાગીએ સૌથી પહેલાં વિયેતનામ ઉત્તરી થાઇલેન્ડ અને લાઓસને પ્રભાવિત કર્યું છે. વિયેતનામમાં આશરે 300, થાઇલેન્ડમાં 42 અને લાઓસમાં ચાર લોકોનાં મોત થયાં છે.મ્યાનમારમાં પૂર એવા સમયે આવ્યું છે કે જ્યારે ફેબ્રુઆરી, 2021ના વિરોધમાં સેના અને દળોની વચ્ચે વધતા સંઘર્ષને કારણે હજ્જારો લોકોને ઘર છોડવા મજબૂર થવું પડ્યું હતું. આ સંઘર્ષને કારણે 30 લાખ લોકોએ ઘરોથી નીકળીને સુરક્ષિત સ્થાને આશ્રય લેવો પડ્યો હતો.