કારની નંબર પ્લેટ રૂ. 122.6 કરોડમાં વેચાઈઃ વર્લ્ડ રેકોર્ડ

દુબઈઃ મનગમતું વાહન ખરીદવાની સાથે ઘણાં લોકોને એની નંબર પ્લેટ પર ખાસ આંકડાનો નંબર મેળવવાની પણ ઈચ્છા-ઘેલછા રહેતી હોય છે. એ માટે કેટલાક લોકો મોટી રકમ ચૂકવવા પણ તૈયાર થઈ જતાં હોય છે. ભારતમાં વાહનોની ઓળખ માટે અપાતી નંબર પ્લેટ કે લાઈસન્સ પ્લેટ ઈસ્યૂ કરવાની જવાબદારી રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ અથવા રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)ની હોય છે. કોઈ નંબર પ્લેટ કરોડો રૂપિયામાં વેચાઈ હોય એની તમને જાણકારી છે? દુબઈમાં એવી એક કારની નંબર પ્લેટ કરોડો રૂપિયામાં વેચાઈ છે.

એક હરાજીમાં, P7 લાઈસન્સ પ્લેટ 5 કરોડ 50 લાખ દિરહામ એટલે કે આશરે રૂ. 122 કરોડ 60 લાખમાં વેચાઈ છે. મુંબઈમાં સૌથી વૈભવશાળી વિસ્તારમાં પણ હજી સુધી કોઈ ઘર કદાચ આટલી મોટી રકમમાં વેચાયું નથી.

દુબઈમાં વીઆઈપી કાર નંબર પ્લેટ ખરીદનાર વ્યક્તિનું નામ હજી જાહેર કરવામાં આવ્યું નથી. પણ આ સોદાએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે. આ સોદામાં ઉપજેલી રકમ સીધી ‘એક અબજ ભોજન સુવિધા ઝુંબેશ’ની મદદાર્થે આપી દેવામાં આવશે. હરાજી કાર્યક્રમ જુમૈરાની ફોર સીઝન્સ હોટેલમાં યોજવામાં આવ્યો હતો.