વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન ઉપર કટાક્ષ કરીને અમેરિકન પ્રમુખપદ માટે હવે પછીની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર નિક્કી હેલીએ જણાવ્યું છે કે દુનિયા હાલ સળગી રહી છે અને આ સમસ્યાનો સામનો કરવા માટે અમેરિકાને એક નવી, મજબૂત નેતાગીરીની જરૂર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મૂકેલી એક પોસ્ટમાં સાઉથ કેરોલીનાનાં ભૂતપૂર્વ ગવર્નર અને યૂએન સંસ્થામાં અમેરિકાનાં ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ લખ્યું છેઃ ‘આખી બાબતમાં શરમ આવે એવી વાત એ છે કે બાઈડન જો અફઘાનિસ્તાન મામલે આટલા બધા નબળા રહ્યા ન હોત, યૂક્રેનના મામલે આટલા બધા ધીમા રહ્યા ન હોત, ઈરાનને આટલું બધું ઉત્તેજન આપતા ન હોત અને સરહદ પર આટલા બધા ગેરહાજર રહેતા ન હોત તો આજે છે એવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ ન હોત. દુનિયા સળગી રહી છે અને આ સમસ્યાનો સામનો કરવા માટે અમેરિકાને એક મજબૂત નેતૃત્વની જરૂર છે.’
ભારતીય-અમેરિકન નેતા નિક્કી હેલીએ 2024માં નિર્ધારિત અમેરિકન પ્રમુખપદની ચૂંટણી માટે રીપબ્લિકન પાર્ટીમાંથી પોતાની ઉમેદવારીની જાહેરાત ગયા ફેબ્રુઆરીમાં કરી હતી. તેઓ સૌપ્રથમ 2004માં સાઉથ કેરોલીના ધારાસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. તેના છ વર્ષ બાદ 2010માં તેઓ રાજ્યના પ્રથમ મહિલા ગવર્નર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. 2011માં તેમણે પદ સંભાળ્યું ત્યારે આ પદ ધારણ કરનાર અમેરિકાનાં સૌથી યુવાન વયનાં ગવર્નર બન્યાં હતાં. સમય જતાં તેઓ યૂએન સંસ્થામાં ડોનાલ્ડ ટ્રમ્પના દૂત બન્યાં હતાં. એ પદ પર તેઓ 2018 સુધી રહ્યાં હતાં.