પાકિસ્તાનમાં વોટ્સએપ પર ‘ઇશનિંદા’ કરવા બદલ મહિલાને ફાંસીની સજા

રાવલપિંડીઃ પાકિસ્તાનમાં રાવલપિંડી કોર્ટે એક  26 વર્ષીય મહિલાને ફાંસીની સજા સંભળાવી છે. એ મામલો ઇશનિંદાના આરોપ સાથે સંકળાયેલો છે. મહિલા પર આરોપ છે કે તેણે વોટ્સએપ પર મોકલેલા સંદેશમાં પયગમ્બર મોહમ્મદની સામે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ મામલો થોડો જૂનો છે, પણ છેલ્લા કેટલાક દિવસોથી મહિલાને ફાંસીની સજા સંભળાવવા પછી ચર્ચામાં છે.

મહિલા પર ઇશનિંદાનો આરોપવાળા આ મામલો રાવલપિંડીની કોર્ટથી જોડાયેલો છે. આ મામલે ફારુક હસનાત નામની વ્યક્તિની ફરિયાદ પર રાવલપિંડી કોર્ટે ફાંસીની સજાનું એલાન કર્યું છે. ફારુક હસનાતની ફરિયાદ પર કોર્ટમાં મહિલાએ સાઇબર કાયદાના ઉલ્લંઘન, ધર્મ અપમાન અને પયગંબર મોહમ્મદનું અપમાન કરવા માટે દોષી માલૂમ પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી અનિકા અતિકે વર્ષ 2020માં વોટ્સએપ પર ફારુકને મોકલેલા એક સંદેશમાં ઇશનિંદાથી જોડાયેલી કેટલીક વાત શેર કરી હતી. જેના પર સવાલ ઊભો કરતાં ફારુકે કહ્યું હતું કે તે આવા મેસેજને તરત ડિલીટ કરે અને માફી માગે, પણ મહિલાએ આવું કરવાથી ઇનકાર કરી દીધો હતો. મહિલાએ મનાઈ ફરમાવ્યા પછી ફારુકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ દાખલ કરી હતી, જે પછી અનિકા અતિકની ધરપકડ કરી લેવામાં આવી હતી.

સ્થાનિક મિડિયા અહેવાલો મુજબ ફારુક અને આરોપી મહિલા –બેને ક્યારેક મિત્રો હતાં, પણ કેટલાંક વર્ષે પહેલાં તેમની વચ્ચે ઝગડો  થયો અને મહિલાએ ગુસ્સામાં વોટ્સએપ પર ઇશનિંદાથી જોડાયેલા કેટલાક સંદેશ ફારુકને મોકલી દીધા હતા. હવે રાવલપિંડી કોર્ટે આ મામલે મહિલાને દોષી કરાર દેતાં ફાંસીની સજા સંભળાવી છે.

પાકિસ્તાનમાં ઇશનિંદાના કાયદાના 80ના દાયકામાં ભૂતપૂર્વ સેન્ય તાનાશાહ જિયાઉલ હક દ્વારા લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ કેટલીય વાર મોતની સજા સંભળાવવામાં આવી ચૂકી છે, પણ અત્યાર સુધી કોઈને ફાંસીની સજા નથી આપવામાં આવી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]