કરાચીઃ કરાચી યુનિવર્સિટીમાં ચીની સેન્ટરની પાસે આત્મઘાતી બોમ્બરે કરેલા હુમલામાં ચાર લોકોનાં મોત થયાં છે, જેમાં ત્રણ ચીની નાગરિકોનો સમાવેશ થાય છે. આ હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. આ હુમલાથી જોડાયેલા ફુટેજમાં બુરખો પહેરેલી 30 વર્ષીય મહિલા આત્મઘાતી હુમલાખોરે વેનને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. આ આતંકવાદી ઘટનાને દેશમાં ચીની નાગરિકોની વિરુદ્ધ હુમલા તરીકે જોવામાં આવે છે. આ આત્મઘાતી હુમલાને BLAની મસ્જિદ બ્રિગ્રેડની મહિલા ફિદાયિન હુમલાખોર શેરી બલૂચ ઉર્ફે બ્રમ્સે અંજામ આપ્યો હતો.
આ મહિલા હુમલાખોર શેરી ઉર્ફે બ્રમ્શનો જન્મ બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં થયો હતો. શેરી વિજ્ઞાનની શિક્ષિકા હતી અને તેણે 2014માં B.Ed. અને 2018માં એમ. ફિલ કર્યું હતું. તેણે ઝૂઓલોજીમાં એમ. એસસીમાં કર્યું હતું અને તેણે ડોક્ટર સાથે લગ્ન કર્યાં હતાં. આ આત્મઘાતી હુમલાખોર મહિલા બે વર્ષ પહેલાં મજિદ બ્રિગ્રેડમાં સામેલ થઈ હતી. તે સ્વેચ્છાથી આત્મઘાતી મિશન માટે આગળ આવી હતી.
બ્રિગ્રેડે તેને તેના નિર્ણય માટે ફરીથી વિચાર કરવાનો સમય આપ્યો હતો. છ મહિના પહેલાં તેણે ફરી આત્મઘાતી મિશન માટે હામી ભરી હતી અને એ પછી તે સક્રિય રીતે મિશનમાં સામેલ થઈ હતી. બ્રિગ્રેડે ચીનના પાકિસ્તાનમાં અને ખાસ કરીને બલૂચિસ્તાનમાં વધુ રસ લેવા સામે ચીની લોકોને વધુ લક્ષ્ય બનાવવાની ધમકી આપી હતી. બ્રિગ્રેડે કહ્યું હતું કે શેરી બલૂચ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનની સભ્ય હતી.