ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં આગામી 25 જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલાં સર્જાયેલા વર્તમાન રાજકીય સમીકરણોએ મોટા પરિવર્તનના અણસાર આપ્યા છે. ભ્રષ્ટાચારના આરોપમાં દોષી સાબિત થયેલા અને જેલની સજા પામેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની રાજકીય કારકિર્દી ખતમ થયેલી માનવામાં આવે છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે, પાકિસ્તાન કોને પોતાના આગામી વડાપ્રધાન તરીકે પસંદ કરશે?પાકિસ્તાનના ચૂંટણી મેદાનમાં જે મુખ્ય પર્ટીઓ તેમનું ભાગ્ય અજમાવી રહી છે તેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP), પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) સૌથી મોટી પાર્ટી છે. માનવામાં આવે છે કે, આ પાર્ટીઓમાંથી જ કોઈ નેતા પાકિસ્તાનનો આગામી વડાપ્રધાન બનશે.
શાહબાઝ શરીફ (PML-N)
પાકિસ્તાનમાં વર્ષ 2013થી સત્તામાં રહેલી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ જો આ વખતે પણ ચૂંટણી જીતશે તો ભ્રષ્ટાચારના કેસમાં અયોગ્ય જાહેર કરાયેલા પૂર્વ પીએમ નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, શાહબાઝ પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન પણ રહી ચુક્યા છે અને ત્યાં તેમની છબી એક સારા નેતા અને પ્રશાસક તરીકેની છે. નવાઝ શરીફને તેમના પદ પરથી દૂર કરાયા બાદ પાર્ટીની કમાન શાહબાઝ શરીફને સોંપવામાં આવી છે.
બિલાવલ ભૂટ્ટો (PPP)
ભૂટ્ટો પરિવારના વંશજ બિલાવલ અલી ભૂટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના યુવાન નેતા છે. બિલાવલ ફક્ત 29 વર્ષના છે જેને રાજનીતિ વારસામાં મળી છે. આગામી ચૂંટણીમાં બિલાવલ પહેલીવાર વડાપ્રધાન પદ માટે પોતાની ઝુંબેશ ચલાવી રહ્યાં છે. એક સર્વેમાં બિલાવલ ભૂટ્ટોની પાર્ટી PPPને પાકિસ્તાનની ત્રીજા નંબરની લોકપ્રિય પાર્ટી ગણવામાં આવી છે. આ સર્વેમાં PML-N પ્રથમ સ્થાને અને PTIને બીજું સ્થાન આપવામાં આવ્યું છે. બિલાવલ માટે આ ચૂંટણી અગ્નિપરીક્ષા માનવામાં આવે છે.
ઈમરાન ખાન (PTI)
એક ક્રિકેટ ખેલાડીમાંથી રાજકારમાં પ્રવેશેલા ઈમરાન ખાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ છે અને વર્તમાન ચૂંટણીમાં તેઓ વડાપ્રધાન પદ માટેના સૌથી મજબૂત ઉમેદવાર તરીકે માનવામાં આવે છે. ઈમરાન ખાને વર્ષ 2014મા પાકિસ્તાનમાં નવાઝ શરીફ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોને લઈને દેખાવો કર્યા હતાં અને તેમના રાજીનામાની માગણી કરી હતી. હાલની ચૂંટણીમાં ઈમરાન ખાન તેમના પ્રતિદ્વંદ્વી કરતાં સોશિયલ મીડિયા ઉપર પણ વધુ સક્રિય રહે છે.