પાકિસ્તાન પરત ફરતા જ નવાઝ-મરિયમની કરાશે ધરપકડ, રાવલપિંડીની જેલમાં રખાશે

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ આજે તેમની પુત્રી મરિયમ નવાઝ સાથે પાકિસ્તાન પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝને ભ્રષ્ટાચારના આરોપમાં જેલની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાન પરત ફરતાં જ તેમની ધરપકડ કરવામાં આવશે અને તેમને રાવલપિંડીની જેલમાં લઈ જવામાં આવશે.નવાઝ શરીફ અને મરીયમ નવાઝને રાવલપિંડીની અદિયાલા જેલમાં લઈ જવામાં આવશે. અદિયાલા જેલ રાવલપિંડીની સેન્ટ્રલ જેલ છે. આ જેલનું નિર્માણ વર્ષ 1970-80માં જનરલ મોહમ્મદ જિયા-ઉલ-હકના લશ્કરી શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, નવાઝ શરીફ પહેલા પણ આ જેલમાં રહી ચુક્યા છે. વર્ષ 1999માં પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં સત્તાપલટો કર્યા બાદ નવાઝ શરીફને રાવલપિંડીની આ જેલમાં રાખવામાં આવ્યા હતા. નવાઝ શરીફ ઉપરાંત આ જેલમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની અને મુંબઈ હુમલાના આરોપી ઝકી-ઉર-રહેમાન લખવીને પણ આ જેલમાં રાખવામાં આવ્યો હતો.

નવાઝ શરીફ અને મરીયમ નવાઝની પાકિસ્તાન વાપસીને ધ્યાનમાં રાખીને લાહોર એરપોર્ટ પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. નવાઝ શરીફની વાપસીના સમયે લાહોર હવાઈ મથકની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દેવામાં આવશે. નવાઝ શરીફ અને મરીયમ નવાઝને એરપોર્ટથી સીધા જ રાવલપિંડીની અદિયાલા જેલમાં લઈ જવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]