જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (Who) ચીનમાં ઉદ્ભવેલા ઘાતક કોરોના વાયરસનું અધિકારિક નામ “કોવિડ-19” આપ્યું છે. આ વાયરસની પ્રથમવાર ઓળખ 31 ડિસેમ્બર 2019 માં ચીનમાં થઈ હતી. Who ના પ્રમુખ ટેડ્રોસ એધાનોમ ગેબ્રેયેસુસે જિનેવામાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, હવે અમારી પાસે આ બિમારી માટે નામ છે અને તે કોવિડ-19 છે. તેમણે નામની વ્યાખ્યા કરતા લખ્યું કે, “કો” નો અર્થ કોરોના અને “વિ” નો અર્થ વાયરસ અને “ડી” નો અર્થ ડિસીઝ (બીમારી) છે.
Who દ્વારા કોરોનાને વિશ્વ માટે ગંભીર સંકટ ગણાવવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં આ વાયરસની ઓળખ થયા બાદથી અત્યારસુધી માત્ર ચીનમાં 1000 કરતા વધારે લોકોના મોત થયા છે અને 4200 થી વધારે લોકોને આનો ચેપ લાગ્યો છે. આ વાયરસ વિશ્વના 25 જેટલા દેશોમાં ફેલાયો છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ વાયરસની ઉત્પત્તિ ચામાચિડીયામાંથી થઈ હશે. ઓસ્ટ્રેલિયા, ચીન, ફ્રાન્સ, જર્મની અને અમેરિકાની ઘણી કંપનીઓ અને સંસ્થાઓ કોરોના વાયરસની દવા શોધવાનો પ્રયત્ન કરી રહી છે.