વડા પ્રધાન મોદીની ખાતરીની WHO વડાએ પ્રશંસા કરી

ન્યૂયોર્કઃ ભારતની કોરોનાવાઈરસ રસી ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ દુનિયાના અન્ય દેશોને કોવિડ-19 સામેના જંગમાં મદદરૂપ થવા માટે કરવામાં આવશે એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ખાતરીની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ એધનોમમ ગેબ્રીસસે પ્રશંસા કરી છે અને કહ્યું છે કે સમાન હિતકાર્ય માટે સંસાધનોને સંગઠિત કરવાથી જ આ રોગચાળાને નાથી શકાશે.

વડા પ્રધાન મોદીએ ગઈ કાલે યૂનાઈટેડ નેશન્સની મહાસમિતિના 75મા સત્રને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી મોટા રસી ઉત્પાદક દેશ હોવાના નાતે હું સમગ્ર વિશ્વને આજે ફરીવાર ખાતરી આપવા માગું છું. ભારતની રસી નિર્માણ તથા ડિલીવરી ક્ષમતાનો ઉપયોગ આ કટોકટીનો સામનો કરવામાં માનવજાતને મદદરૂપ થવા માટે કરવામાં આવશે.

WHOના ડાયરેક્ટર-જનરલ ગેબ્રીસસે એક ટ્વીટમાં વડા પ્રધાન મોદીને ટેગ કરીને એમનો આભાર માન્યો છે અને કહ્યું છે કે સમાન હિતમાં આપણી સઘળી તાકાત અને સાધનોને સંગઠિત કરીને સંયુક્ત થઈને જ કોવિડ-19 મહાબીમારીનો આપણે અંત લાવી શકીશું.

પીએમ મોદીએ 193-સભ્યોની યૂએન મહાસમિતિને વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે અમે, ભારત તથા પડોશના દેશો, ભારતમાં કોરોના રસીની ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ. રસીના જથ્થાની ડિલીવરી કરવામાં પણ ભારત તમામ દેશોને મદદરૂપ થશે.

મોદીએ જોકે કોરોના રોગચાળાનો સામનો કરવામાં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના પ્રતિસાદ સામે સવાલ પણ ઉઠાવ્યો હતો. એમણે કહ્યું કે, છેલ્લા 8થી 9 મહિનામાં, સમગ્ર વિશ્વ કોરોનાવાઈરસ રોગચાળા સામે લડી રહ્યું છે. આ રોગચાળા સામેની સંયુક્ત લડાઈમાં સંયુક્ત રાષ્ટ્રનું સ્થાન ક્યાં છે? ક્યાં છે એનો અસરકારક પ્રતિસાદ?