પીએમ મોદીની ‘આત્મનિર્ભર ભારત’ પહેલની IMF દ્વારા પ્રશંસા

વોશિંગ્ટનઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આદરેલી આત્મનિર્ભર ભારત પહેલ મહત્ત્વની છે.

IMFના કમ્યુનિકેશન્સ વિભાગના ડાયરેક્ટર જેરી રાઈસે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારતમાં કોરોનાવાઈરસથી જે વિનાશ સર્જાયો છે તેવી પરિસ્થિતિમાં સેલ્ફ-રિલાયન્ટ ઈન્ડિયા પહેલ અંતર્ગત જે આર્થિક રાહતો જાહેર કરવામાં આવી છે તેણે ભારતના અર્થતંત્રને ટેકો પૂરો પાડ્યો છે અને અમુક જોખમોને દૂર કરી દીધા છે. તેથી અમે આ આત્મનિર્ભર ભારત પહેલને મહત્ત્વની ગણીએ છીએ.

પીએમ મોદીના આત્મનિર્ભર ભારત સંકલ્પ વિશેના એક સવાલના જવાબમાં જેરી રાઈસે વધુમાં જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ કહ્યું છે તેમ, આગળના સમયમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત વધારે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તે એવી નીતિઓ ઘડે છે જેનાથી અર્થવ્યવસ્થાની કુશળથા અને સ્પર્ધાત્મક્તામાં સુધારો લાવશે.

ભારતમાં ‘મેક ફોર ધ વર્લ્ડ’ ધ્યેયને હાંસલ કરવા માટે પ્રાધાન્ય એવી નીતિઓ પર કેન્દ્રીત થયેલું રહેશે જે વ્યાપાર, મૂડીરોકાણ અને ટેક્નોલોજી સહિત ‘જાગતિક મૂલ્ય સાંકળ’ની દ્રષ્ટિએ ભારતને વધારે સદ્ધર બનાવવામાં મદદરૂપ થશે.

જેરી રાઈસે કહ્યું કે નીતિ આયોગ અને નાણાં મંત્રાલયની સાથે આઈએમએફ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ પરથી માલુમ પડ્યું છે કે આરોગ્ય સંબંધિત વિકાસ લક્ષ્યોમાં ઉચ્ચતમ દેખાવ હાંસલ કરવા માટે ભારતે હેલ્થકેર સેક્ટરમાં ખર્ચો વધારવો પડશે.