વોશિંગ્ટનઃ અમેરિકા સરકારે ચેતવણી આપી છે કે ચીનનું ભારે રોકેટ શનિવારે પૃથ્વી પર ટકરાય એવી સંભાવના છે. આશંકા છે કે આશરે 21 ટનનું આ રોકેટ મોટી વસતિવાળાં શહેરો જેવાં કે અમેરિકાના ન્યુ યોર્ક, સ્પેનના મેડ્રિડ અને ચીનના પેઇચિંગનું શહેર નિશાન બની શકે છે. જોકે એ ક્યાં તૂટી પડશે એ વૈજ્ઞાનિકોને પણ માલૂમ નથી. જોકે અમેરિકા ચીનના આ આઉટ ઓફ કંટ્રોલ રોકેટને ટ્રેક કરવામાં લાગી ગયું છે. આ રોકેટને 2021-035B નામ આપવામાં આવ્યું છે.
પેન્ટાગન અનિયંત્રિત ચીની રોકેટને શોધી રહ્યું છે. અમેરિકી રક્ષા વિભાગના પ્રવક્તા માઈક હોવર્ડે કહ્યું કે ચીનનું લોંગ માર્ચ 5બી રોકેટ પૃથ્વીના વાયુમંડળમાં આઠમી મેએ પ્રવેશ કરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે યુએસ સ્પેસ કમાન્ડ રોકેટને ટ્રેક કરવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે, જેથી કરીને જોખમને કંઈક હદે ટાળી શકાય.
ચીન દ્વારા માર્ચ 5બી નામના રોકેટને અંતરિક્ષમાં 28 એપ્રિલે તિયાનહે સ્પેસ સ્ટેશનથી લોન્ચ કર્યું હતું. આ રોકેટમાં કેટલીક ખામી સર્જાતાં એને સંચાલિત કરનારી ટીમે આના પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું.
આ રોકેટનો મુખ્ય હિસ્સો છે, જેને કોર કહેવામાં આવે છે. આનું વજન લગભગ 21 ટન એટલે કે 19,050 કિલો જેટલું છે અને લંબાઈ 100 ફૂટથી વધુ છે અને 16 ફૂટ પહોળું છે. આ બેકાબૂ રોકેટ શનિવારે આઠ મેએ પૃથ્વીના વાતારણમાં પ્રવેશ કરી શકે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને યુરોપની સ્પેસ એજન્સી સહિત અન્ય દેશની સંસ્થાઓ પણ પોતાની રડાર સિસ્ટમથી આના પર સતત નજર રાખી રહ્યું છે. જ્યારે પણ આ રોકેટ પૃથ્વીમાં પ્રવેશ કરશે ત્યારે એ જે પણ દેશમાં ક્રેશ થવાનું હશે એની પહેલા જ આ સ્પેસ એજન્સીઓ ત્યાંના સ્થાનિક પ્રશાસનને આની સૂચના આપી દેશે.