કુલભૂષણ જાધવ વિરુદ્ધ અમારી પાસે નક્કર પુરાવા છે: પાક. વિદેશપ્રધાન

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં ઈમરાન ખાનની નવી સરકાર તો રચાઈ ગઈ પણ ભારત વિરોધી પાકિસ્તાનની નીતિમાં કોઈ જ બદલાવ આવ્યો નથી. પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે, પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ વિરુદ્ધ તેમની પાસે નક્કર પુરાવાઓ છે.પાકિસ્તાનના નવા વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું કે, તેમને વિશ્વાસ છે કે, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસનો (ICJ) ચુકાદો તેમના પક્ષમાં જ આવશે. આપને જણાવી દઈએ કે, એપ્રિલ 2017માં પાકિસ્તાનની એક લશ્કરી અદાલતે 47 વર્ષિય ભારતીય નાગરિક કુભૂષણ જાધવને મોતની સજા સંભળાવી હતી.

ગત વર્ષે મે મહિનામાં ભારતે પાકિસ્તાનના નિર્ણય વિરુદ્ધ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં (ICJ) અરજી દાખલ કરી હતી. આંતરરાષ્ટ્રીય અદાલતે આ મુદ્દે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી જાધવની ફાંસી પર રોક લગાવી છે. ભારત અને પાકિસ્તાન બન્ને આ મુદ્દે ICJ સમક્ષ વિસ્તારથી પોતાનો અભિપ્રાય પહેલેથી જ રજૂ કરી ચૂક્યા છે.

પાકિસ્તાની મીડિયામાં જણાવ્યા અનુસાર ICJમાં કુલભૂષણ જાધવ મામલે સુનાવણી આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે. પાકિસ્તાને દાવો કર્યો છે કે, તેના સુરક્ષા દળોએ માર્ચ 2016માં જાધવની બલૂચિસ્તાનથી ધરપકડ કરી હતી. પાકિસ્તાનનો આરોપ છે કે, કુલભૂષણ જાધવ ઈરાનના રસ્તેથી પાકિસ્તાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ કોઈ સામાન્ય માણસ નથી પણ જાસુસ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]