ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી તરીકે અલ્પેશ ઠાકોરની નિમણૂક

અમદાવાદઃ કોંગ્રેસે ઓબીસી-ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મોટી જવાબદારી સોંપી છે. કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરની AICC ના સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે. અત્યારે બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે શક્તિસિંહ ગોહિલ કાર્યરત છે ત્યારે અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસના સહપ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને ટક્કર આપવા માટે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને તે બેઠક કોંગ્રેસે જીતી લીધી હતી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીમાં અલ્પેશ સહિત કુલ આઠ સેક્રેટરીની નિમણૂંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારથી રાહુલ ગાંધીએ અધ્યક્ષ બનીને કોંગ્રેસની ધુરા સંભાળી ત્યાર બાદ પક્ષ અને સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ સોનિયા ગાંધીના પૂર્વ સલાહકાર તેમજ કોંગ્રેસી નેતા એહમદ પટેલની કોંગ્રેસના ખજાનચી તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે મોતીલાલ વોરાને મહાસચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]