વોશિંગ્ટન- અમેરિકા અને બ્રિટને વારંવાર પરમાણુ બોમ્બની ધમકી આપનારા ઉત્તર કોરિયા પર વધુ સખત પ્રતિબંધ મુકવા તૈયારી શરુ કરી દીધી છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર ગત રોજ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ ફોન પર ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન બન્ને નેતાઓએ ઉત્તર કોરિયા પર વધુ દબાણ લાવવા આહ્વાન કર્યું હતું. જેથી ઉત્તર કોરિયાને તેની સૈન્યશક્તિ ઘટાડવાની ફરજ પડે.બન્ને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી ચર્ચામાં એ વાત પર સહેમતની વ્યક્ત કરવામાં આવી કે, વિશ્વના અન્ય દેશોએ ઉત્તર કોરિયા પર આર્થિક દબાણ વધારવું જોઈએ, જ્યાં સુધી કિમ જોંગ પોતાની સૈન્ય તાકાત ઘટાડવા તૈયારી દર્શાવે નહીં. આ અંગે વ્હાઈટ હાઉસે વધુમાં જણાવ્યું કે, અમેરિકા અને બ્રિટન વચ્ચે ડેટા શેરિંગ અંગે અટકી પડેલો સહયોગ સ્થાપિત કરવા પણ સહેમતિ વ્યક્ત કરવામાં આવી હતી. આમ કરવાથી બન્ને દેશો વચ્ચે કાયદાના અમલીકરણના પ્રયાસોને લાભ થશે.
આ દરમિયાન અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા હીથર નોર્ટે પ્રત્રકાર પરિષદમાં જણાવ્યું કે, દક્ષિણ કોરિયામાં યોજાનારા વિન્ટર ઓલમ્પિક દરમિયાન વર્તમાન સ્થિતિ જોતાં અમેરિકન અધિકારીઓ અને ઉત્તર કોરિયાના પ્રતિનિધિ મંડળ વચ્ચે મુલાકાતની કોઈ જ શક્યતા નથી.