અમેરિકાએ આપ્યા આતંકીઓની સંપત્તિ જપ્ત કરવાના આદેશ, જાણો કોણ છે એ

વોશિંગ્ટન- આતંકવાદ સામે અમેરિકાનું કડક વલણ યથાવત છે. અમેરિકાએ ત્રણ મોટા આતંકીઓની સંપત્તિ જપ્ત કરવા આદેશ આપ્યો છે. અમેરિકાની ટ્રેઝરી ઓફિસે દક્ષિણ એશિયામાં સક્રિય એવા રહેમાન ફકીર મોહમ્મદ, હિજબુલના અસ્તમ ખાન અને દિલાવર ખાનની સંપત્તિ જપ્ત કરવા આદેશ આપ્યો છે. સાથે જ અમેરિકાએ આ તમામ આતંકીઓને વૈશ્વિક આતંકી પણ જાહેર કર્યા છે.અમેરિકાએ ઉપરોક્ત આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવા ઉપરાંત તેની સાથે સંબંધ ધરાવનારા સંગઠનો ઉપર પણ પ્રતિબંધ લગાવ્યા છે. મહત્વનું છે કે, અમેરિકાનું ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ આતંકવાદને સમર્થન કરનારા સંગઠનો પર સતત કાર્યવાહી કરી રહ્યું છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ તેમનું લક્ષ્ય એ તમામ સંગઠનનો સફાયો કરવાનું છે, જેઓ અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા સહિત અન્ય આતંકી સંગઠનોની મદદ કરી રહ્યાં છે.

ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, આતંકવાદને કરવામાં આવતા ફન્ડીંગ પર રોક લગાવવા અમેરિકા સતત પ્રયાસ કરી રહ્યું છે. આ માટે અમેરિકાએ પાકિસ્તાન સરકારને પણ આતંકવાદ સામે કડક પગલા લેવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ત્રણેય આતંકીઓ પર લશ્કર-એ-તૈયબા માટે ફંડ ભેગુ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રણેય આતંકીઓને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આ ત્રણેય આતંકી પાકિસ્તાનમાં જ રહે છે.